સ્વિન્ડન વિસ્તારના આશરે 20,000 જેટલા હિન્દુઓની આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી કરતા સ્વિન્ડનના ડર્બી ક્લોઝ ખાતે આવેલ સ્વિન્ડન હિન્દુ મંદિર અને ક્લચરલ સેન્ટરમાં તા. 4 સપ્ટેમ્બર, શનિવાર પહેલા ફરી એક વખત ચોરી કરાઇ હતી. મે મહિનાથી આજ દિન સુધીમાં 5મી વખત તોડફોડ કરી ચોરી કરાતા વિશ્વભરના હિન્દુઓમાં આઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી.
ચોરોએ સંભવત મંગળવાર અને શુક્રવાર દરમિયાન મંદિરમાં ઘુસીને મંદિરની દાનપેટી તોડી મોટી રોકડ રકમ અને અન્ય ધાર્મિક કલાકૃતિઓ – ચીજવસ્તુઓની ચોરી કરી હતી. ચોરીના કારણે દેવી-દેવતાઓની પ્રતિમાઓને નુકશાન થયું હતું અને મંદિરના ગર્ભગૃહ, દરવાજા અને રૂમોમાં તોડફોડ કરાઇ હતી. ઉપરાછાપરી બનાવોને કારણે આ વિસ્તારના હિન્દુ સમુદાયને લાગે છે કે તેમને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે.
હિન્દુ સમુદાયના સભ્યો હવે ચોરીના બનાવોને રોકવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કાઉન્સિલની માલિકીની ઇમારતમાં આવેલા મંદિરની સુરક્ષા માટે રાતભર મંદિરમાં સૂઈ જાય છે. વિલ્ટશાયર પોલીસ ચોરીની તપાસ કરી રહી છે અને લોકોને આ અંગે માહિતી આપવા અપીલ કરી છે. પોલીસની ફોરેન્સિક સર્વિસીસની ટીમે પુરાવા ભેગા કરવા સ્થળની મુલાકાત લીધી હતી. વિશ્વભરના હિન્દુ નેતાઓએ સરકારને યુકેના બ્રિટીશ હિન્દુઓ અને હિન્દુ મંદિરોનું રક્ષણ કરવા તેમજ આ ગુનાઓનો અંત લાવવા ઝડપી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. સ્વિન્ડન હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત સ્વિન્ડન હિન્દુ મંદિર અને કલ્ચરલ સેન્ટર વિવિધ ધાર્મિક, સામાજિક, સમુદાયીક, સાંસ્કૃતિક, ઇન્ટફેઇથ અને સખાવતી પ્રવૃત્તિઓ કરે છે.
વિલ્ટશાયર પોલીસ અને ક્રાઇમ કમિશનર ફિલિપ વિલ્કિન્સને જણાવ્યું હતું કે ‘’સ્વિન્ડનમાં હિન્દુ મંદિરમાં પાંચમી વખત થયેલી ચોરીથી હિન્દુ સમુદાય નિરાશ થયો છે. મને લાગે છે કે અમે સ્વિન્ડનમાં હિન્દુ સમુદાયને ખરાબ રીતે નીચા જોણું કરાવ્યું છે. મંદિર વિષેના સમાચાર જાણી મારા અધિકારીઓને ત્વરીત પગલાં ભરવા સૂચના આપી હતી. મંદિર સમુદાયનું કેન્દ્ર છે પણ તે કચરાવાળા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના કોઇ સ્થળે વેરહાઉસમાં હોય તે સારૂં નથી. મારી મુલાકાત વખતે મેં ઉંદરોને બહાર રમતા જોયા હતા. આપણા સૌથી પ્રાચીન અને આદરણીય ધર્મોમાંથી એકને આવી ભયાનક પરિસ્થિતિઓમાં મૂકવો જોઈએ નહિં.”
બનાવ અંગે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ફિલ સ્ટેનિંગ્સે કહ્યું હતું કે “સ્વિન્ડનનો હિંદુ સમુદાય ફરીથી ગુનેગારો દ્વારા નિશાન બનાવવામાં આવતા નિરાશાની અનુભૂતિ કરે તે હું સમજી શકું છું.’’
શ્રી સ્ટેનિંગ્સ અને શ્રી વિલ્કિન્સને બુધવારે તા. 8ના રોજ સમાજના લોકોને મળવા મંદિરના અગ્રણીઓની મુલાકાત લીધી હતી.
મંદિરના ચેરમેન પ્રદીપ ભારદ્વાજે જણાવ્યું હતું કે “આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને તે તમામ હિંદુઓ માટે અત્યંત સંવેદનશીલ છે. બનાવથી દરેક વ્યક્તિ ખૂબ જ અસ્વસ્થ છે અને અમારી લાગણીઓ હણાઇ છે. લોકો હવે દેવતાઓના રક્ષણ માટે મંદિરમાં રાતોરાત સૂઈ રહ્યા છે. તાજેતરની મુલાકાત બદલ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અને કમિશનરના અમે આભારી છીએ પરંતુ જમીન પર વધુ કાર્યવાહી થાય તે જરૂરી હતી. કામગીરી શબ્દો કરતાં વધુ સારી રીતે, મોટેથી બોલે છે. અમે કામગીરી જોવા ઈચ્છીએ છીએ, જે મંદિર પરિસરમાં સુરક્ષા પુન:સ્થાપિત કરી શકે. હું જાણું છું કે મંદિર પરિસરમાં ચોરોના ભય વચ્ચે સૂઇ જવાનું જોખમ છે પરંતુ આપણા દેવોની સલામતી સર્વોપરી છે અને દેવી-દેવતાઓનું રક્ષણ થવું જ જોઈએ.’’
શ્રી ભારદ્વાજે જણાવ્યું હતું કે, ‘’મંદિરની પાછળના વેરહાઉસમાં અગાઉ ત્રણ વખત ચોરી કરાઇ હતી અને કેબલ ચોરાયા હતા. જેથી મંદિરનો વીજ પુરવઠો દૂર થઇ ગયો હતો. અમારા મુખ્ય મંદિરમાં તાજેતરમાં બે વખત ચોરી કરાઇ હતી.”
બિલ્ડિંગની માલિકી ધરાવતી સ્વિન્ડન બરો કાઉન્સિલના નેતા કાઉન્સિલર ડેવિડ રેનાર્ડે કહ્યું હતું કે “અમે ટ્રસ્ટના સભ્યોને મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ અને તેમાં નવું સ્થળ શોધવાનો પણ સમાવેશ થાય છે.”
સમુદાયના સભ્યો દ્વારા કાયમી, સુરક્ષિત અને સલામત ઉપાસના સ્થળની માંગ કરતી એક પીટીશન શરૂ કરવામાં આવી હતી જેમાં એક હજારથી વધુ સહીઓ કરાઇ હતી. આ દરમિયાન બિલ્ડિંગમાં સુરક્ષા અને વીજળી સુવિધાને સંપૂર્ણ રીતે પુન:સ્થાપિત કરવાની હાકલ કરી હતી.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઇઝમના નેવાડા (યુએસએ) સ્થિત હિન્દુ અગ્રણી રાજન ઝેડે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મસ્થાનમાં થતી આવી ઘટનાઓથી હિન્દુઓના હૃદયને દુ:ખ પહોંચે છે. બ્રિટિશ હિન્દુઓએ રાષ્ટ્ર અને સમાજમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્નમેન્ટ રોબર્ટ જેનરિકને અંગે પગલા લેવા વિનંતી કરી હતી. તેમણે સાઉથ વેસ્ટ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ બ્રાયની હોલ્ડન, વિલ્ટશાયર કાઉન્સિલના લીડર રિચાર્ડ ક્લીવર અને સ્વિન્ડનના મેયર ગેરી પર્કિન્સને આ મુદ્દાને ગંભીરતાથી લક્ષમાં લઇ આવા ગુનાઓનો અંત લાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરવા અપીલ કરી હતી.