અમેરિકા સ્થિત અગ્રણી હિન્દુ સંગઠનને કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ભારતીય મૂળના નેતા જગમીત સિંઘને હિન્દુ ધર્મના પ્રાચીન અને શુભપ્રતિક ‘સ્વસ્તિક’ની સરખામણી 20 સદીના નાઝીના ઘૃણા પ્રતિક ‘હાકેનક્રુઝ’ સાથે ન કરવા અનુરોધ કર્યો છે.
કોરોના નિયંત્રણો સામેના સેંકડો ટ્રક ડ્રાઇવર્સના મોટાપાયે વિરોધી દેખાવોની વચ્ચે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમિત સિંઘે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સ્વસ્તિક અને કન્ફેડરેટ ફ્લેગનું કેનેડામાં કોઇ સ્થાન નથી. સિંહે 2 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે સમાજના તમામ લોકોની સુરક્ષા આપણી જવાબદારી છે. કેનેડામાં હેટ સિમ્બોલ પર પ્રતિબંધનો સમય થઈ ગયો છે.ટ્રુડો અને સિંઘ બંનેએ તાજેતરના ભૂતકાળમાં નિવેદન કરીને દેખાવકારો સ્વસ્તિકનો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ અંગે પ્રતિક્રિયા આપતા હિન્દુપેક્ટ (હિન્દુ પોલિસી રિસર્ચ એન્ડ એડવોકેસી કલેક્ટિવ)એ અનુરોધ કર્યો હતો કે આ બંને નેતાઓએ હિન્દુ, બુદ્ધ, શિખ અને વિશ્વના ઘણા સમુદાયના પ્રાચીન અને શુભ પ્રતિકને નાઝી સિમ્બોલ સાથે જોડવો જોઇએ નહીં.
હિન્દુપેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉત્સવ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ‘અમે માનીએ છીએ કે આ ગેરસમજથી હિન્દુ અને શીખ સામેના હેટ ક્રાઇમમાં વધારો થશે. કેનેડામાં છેલ્લાં એક મહિનામાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ અને લૂંટ થઈ છે.’
ફેડરલ એનડીપી ત્રણ અલગ અલગ ‘હેટ સિમ્બોલ’ના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની સરકાર સમક્ષ માગણી કરી રહી છે. તેના નેતા સિંઘ જણાવે છે કે લોકોને એકઠા કરવા માટે આ પ્રતિકોનો ઉપયોગ થઈ રહ્યો છે.
બિલ સી-229માં નાઝી સ્વસ્તિક, કન્ફેડરેટ ફ્લેગ જેવા પ્રતિકોના વેચાણ અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરવામાં આવી છે.હિન્દુપેક્ટે શાંતિપૂર્ણ વિરોધી દેખાવના કેનેડાના લોકોના હકનું સન્માન કરવા માટે પણ ટ્રુડોને અનુરોધ કર્યો છે. દેખાવકારોને અંકુશમાં લેવા માટે વડાપ્રધાન ટ્રુડોએ ઇમર્જન્સી ધારાનો પણ ઉપયોગ કર્યો છે. અગાઉ આ ધારાનો 1988 પછી ક્યારેય ઉપયોગ થયો નથી.