શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા 9 જુલાઈના રોજ સમુદાયને એકસાથે લાવવા અને જીવન પર હકારાત્મક અસર કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા પ્રથમ સમર ફેરમાં મંદિર અને સ્થાનિક સમુદાયના સત્તરસોથી વધુ લોકોએ હાજરી આપી હતી. બ્રેન્ટના મેયર – કાઉન્સિલર ઓર્લીન હિલ્ટન, હેરોના ડેપ્યુટી મેયર સલીમ ચૌધરી અને બાર્નેટના મેયર – કાઉન્સિલર નેગસ નરેન્થિરા સહિત બ્રેન્ટ, બાર્નેટ અને હેરોના બરોના ઘણા કાઉન્સીલરોએ આ ભવ્ય ચેરિટેબલ ડ્રાઈવમાં ભાગ લીધો હતો.
આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમર ફેરે ભંડોળ ઊભુ કરવા સાથે એકતા, સાંસ્કૃતિક વિનિમય અને અવિશ્વસનીય કારણોને સમર્થન આપવાની અદ્ભુત તક ઊભી કરી હતી. મેળામાં બાઉન્સી કાસલ, બમ્પર કાર અને ટ્રેમ્પોલીનથી લઈને ફેસ પેઈન્ટિંગ અને મેંદીના સ્ટોલનો તમામ વય જૂથના લોકોએ ભાગ લીધો હતો. તો યોગ્ય આકર્ષક રમતો અને પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ અને ડાન્સ એકેડમી દ્વારા દર્શકોનું મનોરંજન કરાયું હતું અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સૌએ ભારતીય સ્ટ્રીટ ફૂડ અને પીણાંનો આનંદ લીધો હતો.
આ સમર ફેર દ્વારા £15,000 થી વધુ રકમ એકત્ર કરાઇ હતી તથા તેને 30 થી વધુ સ્થાનિક બિઝનેસીસે ટેકો આપ્યો હતો. જે તમામ ભંડોળ લંડનના સમુદાય, મંદિરના મહત્વપૂર્ણ સખાવતી કાર્યો, બેઘર લોકો માટે ફૂડ ડ્રાઈવ અને સ્થાનિક હોસ્પિટલો અને ધર્મશાળાઓને ભેટ આપવા પાછળ વપરાશે.