અમેરિકાની સિલિકોન વેલી બેન્ક (SVB)નું પતન કંપની સંબંધિત સમસ્યા છે અને તેનાથી યુકેમાં કામ કરતી બીજી બેન્કોને કોઇ અસર થશે નહીં. વિશ્વની સૌથી મોટી બેન્કિંગ સિસ્ટમમાં સામેલ યુકેની બેન્કિંગ સિસ્ટમ મજબૂત છે અને પ્રતિકાર ક્ષમતા ધરાવે છે, એમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં શનિવારે જણાવ્યું હતું.
સરકાર ટેકનોલોજી ક્ષેત્રની ચિંતાને દૂર કરવા માટે આ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. અમેરિકાના સત્તાવાળાએ શુક્રવારે સિલિકોન વેલી બેન્કને બંધ કરી હતી અને યુએસ ડિપોઝિટ ગેરંટી એજન્સી એફડીઆઇસીએ તેનો કબજો લીધો હતો.
નાણાપ્રધાન જેરેમી હન્ટે શનિવારે સવારે બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર સાથે યુએસ બેન્કની યુકે ખાતેની પેટાકંપની સિલિકોન વેલી બેન્ક યુકેના અંગે વાતચીત કરી હતી. ટ્રેઝરી અધિકારીઓ અસરગ્રસ્ત કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે “પરિસ્થિતિ અને તેઓ જે ચિંતાઓનો સામનો કરે છે તેની ચર્ચા કરવા” માટે રાઉન્ડ ટેબલ બેન્ક યોજી હતી. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે તે બેન્કની બ્રિટિશ પેટાકંપનીની ઇન્સોવન્સીની વિચારણા કરી રહી છે.