સુઝલોન એનર્જીના સ્થાપક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીનું પહેલી ઓક્ટોબરે હાર્ટ એટેકને પગલે અવસાન થયું હતું. તેમની ઉંમર 64 વર્ષ હતી. ભારતમાં વિન્ડ એનર્જી ક્ષેત્રમાં તેમણે મોટું યોગદાન આપ્યું હતું અને પવન ઊર્જાના પ્રણેતા માનવામાં આવતા હતા. કંપનીના રૂ.1,200 કરોડના રાઇટ્સ ઇશ્યૂ અંગે અમદાવાદમાં સંખ્યાબંધ બેઠકો કર્યા બાદ પૂણેમાં પોતાના ઘેર પરત જઈ રહ્યાં હતા ત્યારે તેમને હાર્ટ એેટેક આવ્યો હતો.
મૂળ રાજકોટના તુલસી તંતી ભારત સરકારના રિન્યુએબલ એનર્જી ટાસ્ક ફોર્સના વડા હતા. તેમણે અમદાવાદથી પોતાનો બિઝનેસ સ્થાપ્યો હતો અને 2004માં પુના ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોર્પોરેટ જગતના વડાઓએ તેમના નિધન અંગે ઊંડો શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુઝલોન એનર્જીના સ્થાપક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીના અવસાનની જાણકારી આપતા અમને દુખ થાય છે. સુઝલોન એનર્જી કંપની વિન્ડ ટર્બાઈનના ઉત્પાદન અને સર્વિસિંગ સાથે સંકળાયેલી અગ્રણી કંપની છે. તુલસી તંતી અગાઉ ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. 27 વર્ષ પહેલાં ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી. સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. તે દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ધરાવે છે.
2 ફેબ્રુઆરી, 1958ના રોજ રાજકોટમાં રણછોડભાઈ અને રંભાબેન તંતીના ઘેર તુલસી તંતીનો જન્મ થયો હતો. તેમનો પરિવાર ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલો હતો. તુલસી તંતીએ રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. પી ડી માલવિયા કોલેજમાંથી કોમર્સ અને પોલિટેકનિક ઈન્સ્ટિટ્યુટમાંથી ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.
મૂળ રાજકોટના તુલસી તંતી 1995માં ટેક્સ્ટાઈલનો બિઝનેસ ધરાવતા હતા અને ત્યાર પછી સુઝલોન એનર્જીની સ્થાપના કરી હતી. 2001માં તેમણે પોતાનો ટેક્સ્ટાઈલ બિઝનેસ વેચી નાખ્યો. 2003માં તેમને અમેરિકાની કંપની પાસેથી 24 વિન્ડ ટર્બાઈનના સપ્લાય માટે ઓર્ડર મેળવ્યો હતો. હાલમાં સુઝલોન એનર્જી 8536 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે.