સાઉથ લંડનના સટનના કોલિંગવૂડ રોડ પર આવેલા મીડટેરેસ મકાનમાં 16 તારીખે ગુરૂવારે આગ લાગતા ચાર માસુમ બાળકોના કરૂણ મૃત્યુ બાદ પોલીસ દ્વારા બાળકોની અવગણનાની શંકાના આધારે 27 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. મોતને ભેટેલા કમનસીબ બાળકો જોડિયા હતા.
તેમના દાદા દ્વારા ઘર બહાર રખાયેલા ફૂલો અને કાર્ડ પર તેમના નામ કાયસન, બ્રાયસન, લેટોન અને લોગન જણાવાયા હતા. કાયસન અને બ્રાયસન 4 વર્ષની વયના અને લેટન અને લોગન 3 વર્ષના જોડીયા હતા. તેમના પિતાનું નામ ડાલ્ટન હોથ હતું. બાળકોની માતાનું નામ દેવેકા રોઝ (ઉ.વ. 27) હોવાનું જાણવા મળ્યું છે. તેણી NHS કેરર તરીકે કામ કરે છે.
ફૂટેજમાં ઘરના આગળના દરવાજા પર જ્વાળાઓ દેખાઈ હતી. બનાવને પગલે આઠ ફાયર એન્જિન અને 60 જેટલા ફાયર ફાઈટરને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. રાત્રે 8.36 વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી હતી. બાળકોને સાઉથ લંડનની બે હોસ્પિટલોમાં લઈ જવામાં આવે તે પહેલા ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
લંડન ફાયર બ્રિગેડના ડેપ્યુટી કમિશનર રિચાર્ડ મિલ્સે જણાવ્યું હતું કે ‘’જ્યારે ફાયર ફાઈટર આવ્યા ત્યારે માત્ર બાળકો જ બિલ્ડિંગની અંદર હતા. બિલ્ડીંગમાં પ્રવેશ અને જીવનને બચાવવું એ હંમેશા ખૂબ જ મુશ્કેલ સ્થળ છે.”