વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા ભારતીય બેટર ચેતેશ્વર પુજારાએ ગયા સપ્તાહે સસેક્સ તરફથી ગ્લેમોર્ગન સામે 151 રન કરી પોતાની કારકિર્દીની 58મી ફર્સ્ટ ક્લાસ સદી નોંધાવી હતી. ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી કરનારા બેટર્સમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. પુજારાએ સસેક્સ તરફથી આ સાતમી સદી કરી હતી.
કેપ્ટન પુજારાની આ કાઉન્ટી સીઝનની બીજી સદી હતી. તેણે 238 બોલમાં 20 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેની સદી સાથે સસેક્સ કાઉન્ટીએ ગ્લેમોર્ગન સામેની મેચમાં પ્રથમ ઈનિંગ પાંચ વિકેટે 455નો જંગી સ્કોર કરી ઈનિંગ ડિકલેર કરી હતી. ભારત તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકર અને ગાવસ્કરના નામે સંયુક્તપણે છે. બંનેએ 81-81 સદી નોંધાવી છે.