ટોરોન્ટોમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીઓનું શંકાસ્પદ મોત થયું હતું. મૂળ ભાવનગરના 23 વર્ષીય આયુષ ડાંખર 5 મેએ ગુમ થયો હતો અને તેનો મૃતદેહ બે દિવસ પછી ટોરોન્ટોમાં એક પુલ નીચેથી મળી આવ્યો હતો. આયુષ ટોરોન્ટોની યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. અગાઉ અમદાવાદના વિદ્યાર્થી હર્ષ પટેલનું પણ ટોરોન્ટોમાં રહસ્યમય મોત થયું હતું અને તેનો મૃતદહે 16 એપ્રિલે મળ્યો હતો.
પાલનપુરમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીના પુત્ર આયુષ ડાંખરનો મૃતદેહ રવિવારે (14મે) ભાવનગરના સિદસર ખાતે લવાયો હતો. આયુષની અંતિમયાત્રામાં પરિવાર અને સમાજની સાથે આખું ગામ હિબકે ચડ્યું હતું. મધર્સ-ડેના દિવસે માતાએ પુત્રની અર્થીને કાંધ આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
સમગ્ર મામલે પરિવારને જાણ કરવામાં આવતા આયુષના મૃતદેહને પરત ભારત લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ ફોરેન ડિપાર્ટમેન્ટ અને ઈન્ડિયન એમ્બેસી સાથે સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત પીએમઓના અધિકારીઓ તેમજ ભાવનગરના અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિરના ધર્મગુરુ-સંતોએ ટોરન્ટોમાં રહેતા હરિભક્તોને મદદ માટે દોડાવીને તમામ પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.
આયુષના કાકા નારણભાઈ ડાંખરે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે બીએપીએસના સંતો અને વિદ્યાર્થી મિત્રોએ ટોરન્ટોમાં પહેલાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા-પ્રાર્થના કર્યા બાદ આયુષના મૃતદેહને ભારત મોકલ્યો હતો. જો કે, આયુષનું મોત કેવી રીતે થયું? તે પોલીસ તપાસનો વિષય છે તેવું પરિવારના સભ્યે જણાવ્યું હતું.