બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન અને રોહમન શોલ બોલિવુડની પોપ્યુલર જોડી પૈકીની એક છે. જોકે હવે બંને વચ્ચે બ્રેકઅપની અટકળો ચાલી રહી છે. કપલની નજીકના સૂત્રોએ જણાવ્યું કે, સુષ્મિતાએ રોહમન સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા છે. એટલું જ નહીં રોહમન હવે સુષ્મિતાની સાથે તેના ઘરમાં પણ નથી રહેતો. હાલ રોહમન પોતાના કોઈ ફ્રેન્ડના ઘરે રહે છે.
અગાઉ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુષ્મિતા સેને એક પોસ્ટ મૂકી હતી જેમાં નિષ્ફળ રિલેશનશીપમાંથી ચાલી નીકળવાની વાત કરવામાં આવી હતી. આ પોસ્ટ પરથી ફેન્સ વિચારતાં થયા હતા કે શું રોહમન અને સુષ્મિતાએ બ્રેકઅપ કરી લીધું છે? જોકે, ત્યારબાદ કપલ જાહેરમાં જોવા મળ્યું હતું જેનાથી તેમના બ્રેકઅપની અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું હતું. મોડલ રોહમન શોલ સુષ્મિતા કરતાં ઉંમરમાં 15 વર્ષ નાનો છે.
થોડા સમય પહેલા જ ફેન્સમાં ચર્ચા હતી કે, આ લવબર્ડ્સ લગ્ન ક્યારે કરશે. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં રોહમનને સુષ્મિતા સાથે લગ્ન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, “સુષ્મિતા, તેની દીકરીઓ (રિની અને અલિસા) અને હું એક પરિવાર છીએ. હું આ બંને દીકરીઓ માટે પિતા સમાન છું, તેમનો મિત્ર છું અને ક્યારેક અમે ઝઘડીએ પણ છીએ. અમે એક સામાન્ય પરિવારની જેમ જ રહીએ છીએ અને તેમાં મજા આવે છે. એટલે ‘લગ્ન ક્યારે કરશો?’ જેવા સવાલોને અમે વચ્ચે લાવતા નથી. જ્યારે લગ્ન થશે ત્યારે અમે છુપાવીશું નહીં. અત્યારે તો અમે સુષ્મિતાની વેબ સીરીઝની સફળતા ઉજવી રહ્યા છીએ. આગળ જોઈશું શું થાય છે.”
