કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં ત્રાસવાદીઓને સમર્થન ચાલુ રાખશે અને સરહદોનું ઉલ્લંઘન કરશે તો સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલા પૂંછમાં હુમલો કરવામાં આવ્યો ત્યારે પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતે દુનિયાને દર્શાવ્યું હતું કે ભારતની સરહદો સાથે છેડછાડ કરવાનું એટલું સરળ નથી.
અમિત શાહ ગોવામાં નેશનલ ફોરેન્સિલક સાયન્સ યુનિવર્સિટીના શિલાન્યાસ સમારંભમાં બોલી રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરના વડપણ હેઠળ પ્રથમ વખત ભારતે પોતાની સરહદની સુરક્ષા અને સન્માનને સાબિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશ મનોહર પારિકરને બે બાબતો માટે હંમેશા યાદ રાખશે. તેમને ગોવાને પોતાની અલગ ઓળખ આપી હતી. આ ઉપરાંત તેમણે ત્રણેય લશ્કરી દળોને વન રેન્ક વન પેન્શન યોજના આપી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના વડપણમાં દેશના અભિગમમાં મોટો બદલાવ આવ્યો છે. પહેલા દેશની સરહદો ઓળંગીને ત્રાસવાદીઓ સરળતાથી આવતા હતા અને ત્રાસવાદ ફેલાવતા હતા. પરંતુ દિલ્હીના દરબારમાંથી માત્ર એક નિવેદન સિવાય બીજુ કઇ થતું ન હતું. પરંતુ પૂંછમાં ત્રાસવાદી હુમલા બાદ ભારતે દર્શાવ્યું હતું કે તેની સરહદો સાથે છેડછાડ કરવાનું એટલું આસન નથી.
તેમણે જણાવ્યું હતું કે મોદી અને પારિકરે યુગાંતકારી શરૂઆત કરી છે. હવે જેવો સામેથી હુમલો થશે તેવો જ વળતો જવાબ આપવામાં આવશે. ગૃહપ્રધાને આ નિવેદનથી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પાકિસ્તાન પોતાના ત્રાસવાદી કૃત્યો બંધ નહીં કરે તો ફરી તેને સર્જિકલ સ્ટ્રાઇક માટે તૈયાર રહેવું પડશે.
અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સમર્થિક ત્રાસવાદી જૂથો ફરીથી કાશ્મીરમાં પોતાની તાકાત વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તાજેતરમાં પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓએ કાશ્મીરમાં ઘણા નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરી છે. આ ઉપરાંત ત્રાસવાદીઓએ ભારતના સૈનિકો પર પણ હુમલા કર્યા હતા. પડોશી દેશના સમર્થન સાથે ત્રાસવાદીઓના આ ખુની ખેલથી સમગ્ર દેશમાં રોષ છે. ઘણા લોકો ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપવાની માગણી કરી રહ્યાં છે. કાશ્મીરમાં ભારતના સૈનિકોએ ત્રાસવાદીઓ સામે મોટી કાર્યવાહી પણ કરી છે. સૈનિકોએ ત્રાસવાદીઓને ઘેરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા છે. સમગ્ર કાશ્મીરમાં ત્રાસવાદીઓનો સફાયો કરવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.
દિલ્હી અને બીજા રાજ્યોમાં ત્રાસવાદીઓને જીવતા પકડવામાં પણ આવ્યા છે. આ ત્રાસવાદીઓની કબૂલાતમાં સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે.
ભારતે સપ્ટેમ્બર 2016માં પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી
ઉરી, પઠાણકોટ અને ગુરુદાસપુરમાં ત્રાસવાદી હુમલા બાદ ભારતે સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને અનેક ત્રાસવાદીઓનો મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સર્જિકલ સ્ટ્રાઇકમાં ઘણા ત્રાસવાદી કેમ્પનો સફાયો કરવામાં આવ્યો હતો. ઉરી હુમલાના નવ દિવસ પછી 29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતે આ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. કાશ્મીરમાં છેલ્લાં એક વર્ષથી શાંતિનો ભંગ થઈ રહ્યો છે. તાજેતરમાં શીખો, કાશ્મીરી પંડિતો અને બિનમુસ્લિમોને ટાર્ગેટ કરીને તેમની હત્યા થઈ છે. ગૃહપ્રધાને આ અંગે મેરેથોન બેઠકો કરી છે.