ત્રણ મહિલા મેડિકલ સ્ટુડન્ટ્સના જાતીય હુમલાના આરોપો ‘વ્હાઇટ સ્કિન સુપ્રિમસી’ દ્વારા પ્રેરિત હોવાનો દાવો કરનાર યુનિવર્સિટી હોસ્પિટલ્સ સસેક્સ NHS ટ્રસ્ટના ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જન બિપિન કુમાર ઝા પરના આરોપોને ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે સાચા હોવાનું શોધી બરતરફ કર્યો હતો. ઝાની દેખરેખ દરમિયાન 2020માં બે મહિના સુધી સંમતિ વિના વિદ્યાર્થીઓને ઘનિષ્ઠ રીતે સ્પર્શ કરવાનો આરોપ મૂકાયો હતો. 2001માં ભારતમાં લાયકાત મેળવનાર ઝાએ દાવો કર્યો હતો કે તેઓ ભેદભાવનો શિકાર બન્યા છે અને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
તેણે મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલને કહ્યું કે તે “અત્યંત દુઃખી” છે કે તેમના વિદ્યાર્થીઓ તેમની વિરુદ્ધ થઈ ગયા છે. મીસ એ તરીકે ઓળખવામાં આવેલી એક વિદ્યાર્થીનીએ ટ્રિબ્યુનલમાં દાવો કર્યો હતો કે ક્લિનિકમાં ઝાએ તપાસ કર્યા બાદ તેણી પર હુમલો કર્યો હતો. સેશન સમાપ્ત થયા પછી ઝાએ થાઇરોઇડની તપાસના બહાને “એક્સ્ટ્રા ટીચીંગ”ની શરૂઆત કરી હતી અને તે દરમિયાન તેમણે તપાસના બહાને તેના સ્તનને સ્પર્શ કર્યો હતો. તે પછી પેટની તપાસ કેવી રીતે કરવી તે બતાવવા ઝાએ તેનું બ્લાઉઝ ઊંચુ કરી તેના પેટ પર હાથ મૂકતા પહેલા તેનું ટ્રાઉઝર નીચે કર્યું હતું. તે પછી તેણે વારંવાર હાથ અન્ડરવેરમાં નાંખ્યો હતો.
મીસ બી તરીકે ઓળખાયેલી બીજી વિદ્યાર્થીનીએ દાવો કર્યો હતો કે તેણીને અંગો માટે કેવું લાગે છે તે બતાવવા તેના ટ્રાઉઝર નીચે હાથ મૂકવાની ઓફર કરી હતી. મીસ સી તરીકે ઓળખાવાયેલી ત્રીજી વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે ઝાએ “તેના જમ્પરને થોડું ઊંચું કરી પૂછ્યા વગર તેણીના ટ્રાઉઝરને નીચે ખેંચી તેણીના હિપના હાડકાં ખુલ્લા કર્યા હતાં. મીસ સીએ કહ્યું હતું કે “હું ડરી ગઇ હતી અને મને લાગ્યું હતું કે તે મારા ભવિષ્ય પર અસર કરશે. હું જાણ કરવા માંગતી ન હતી અને સાવચેત રહેવા માંગતી હતી.