આ વર્ષમાં આઈપીએલનો હજુ પ્રારંભ થાય તે પુર્વે જ એક તરફ કોરોના સંકટમાં ઘેરાયો છે એ ચેન્નઈ સુપર કીંગ ટીમ માટે સમસ્યા વધતી જાય છે. ટીમના એક નિયમીત ખેલાડી સહીત 11 સભ્યો કોરોના પોઝીટીવ જાહેર થતા તેઓને 14 દિવસ માટે કવોરેન્ટાઈન થવાની ફરજ પડી હતી અને હજું આ ચિંતા ઘટે તે પુર્વે જ ટીમના ઉપકપ્તાન અને સીનીયર સભ્ય સુરેશ રૈના અચાનક જ આઈપીએલ છોડીને ભારત પરત આવી જતા તેની પણ ચર્ચા છે.
સુરેશ રૈના આ મુદે મૌન છે. ચેન્નઈ સુપરકીંગે ટવીટ કરીને રૈના વ્યક્તિગત કારણોસર ભારત પરત ફરી રહ્યો છે અને સમગ્ર આઈપીએલ ગુમાવશે તેવી જાહેરાત કરી હતી. સુરેશ રૈના ટીમ ઈન્ડીયામાં એક શ્રેષ્ઠ બેટસમેન હોવા છતાં તે લાંબા સમયથી કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે અને ભારતીય ટીમમાં તે પરત ફરી શકયો નથી અને તેના સીનીયર સાથીદાર મહેન્દ્રસિંહ ધોનીની નિવૃતિની જાહેરાતના કલાકમાં જ સુરેશ રૈનાએ પણ નિવૃતિ જાહેર કરી.
રૈના અને ધોની વચ્ચે જે ખાસ સંબંધ છે તે આઈપીએલમાં શ્રેષ્ઠ જોડી ગણાય છે અને રૈનાનું આઈપીએલમાં અસ્તિત્વ પણ ધોનીને આભારી છે તો પછી આ અચાનક જ તે જે રીતે ટીમ અને આઈપીએલ છોડીને ચાલ્યો ગયો તેના કારણોથી જબરી અટકળ છે. ટીમના સૂત્રો વિવિધ કારણો આપે છે. કોરોનાના કારણે જે ‘સિકયોરીટી બબલ’ છે તે તોડવાનો તેના પર આરોપ હતો અને તે અંગે ટીમના તબીબે મેનેજમેન્ટને રીપોર્ટ કર્યો હતો પણ આ કારણ એવું ગંભીર નથી કે રૈનાને આઈપીએલ છોડવુ પડે.
રૈનાના કાકા તથા કાકીની હત્યા તા.19 ઓગષ્ટે થઈ તે સમયે તે ભારતમાં જ હતો તેથ તે માટે તેને પરત ફરવું પડે તે પણ સ્વીકાર્ય બને નહી આમ મહત્વનું એ છે કે રૈનાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પુરી થઈ છે અને હવે તે આઈપીએલ પર જ આધારીત છે. રૂા.12.5 કરોડની ફી મેળવે છે અને ધોની પછી ટીમનો સૌથી મોંઘો ખેલાડી છે અને હાલની સ્થિતિમાં તે રકમ રૈના ગુમાવે શા માટે તે પણ પ્રશ્ન છે તથા હવે તેને ચેન્નઈ સુપર કીંગ સાથે કાયમીનું જે બોન્ડ છે તે પણ પ્રશ્નમાં આવી ગયું છે.
બીજી રૈનાના ફેમીલી કારણોમાં પણ કોઈ એવી કટોકટી નહી હોવાનું પણ પગલા વચ્ચે બીજી તરફ જે વાસ્તવિકતા બહાર આવી છે તેના કારણોમાં ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના વચ્ચે હોટેલ સુવિધા અને રૂમની સ્થિતિ અંગે માથાકુટ થઈ હોવાનો સંકેત છે.
ટીમના સુત્રોએ જણાવ્યું કે રૈનાને જે હોટેલ રૂમ ફાળવવામાં આવ્યો હતો તેનાથી તે ખૂશ ન હતો તેના રૂમમાં બાલ્કની ન હતી તે કેપ્ટન ધોનીને રૂમ ફાળવવામાં આવ્યો હતો તેના ટાઈપનો રૂમ ઈચ્છતો હતો અને તે કોરોના સંકટથી પણ ગભરાયેલો હતો તેઓ તેણે ધોની તથા ટીમ મેનેજમેન્ટ સાથે ઝઘડો કરી લીધો તથા પરત આવી ગયો છે. જો કે ચેન્નઈ સુપરકીંગના વર્તુળો માને છે કે રૈના પરત ટીમ સાથે જોડાઈ જશે.
સી.કે.એસ.ના માલીક અને ક્રિકેટ બોર્ડના પુર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસને રૈનાના અચાનક જ ચાલ્યા જવા અંગે કહ્યું કે જો તમો વ્યવસ્થાથી ખુશ ન હો કે રમવા ઈચ્છુક ન હો તો પરત ફરી શકો છો. મારુ કોઈ પણ પર દબાણ નથી. તેઓએ એક વાકય સૂચક રીતે બોલતા કહ્યું કે કયારેક સફળતા માથા પર ચડી જાય છે. મે ધોની સાથે વાત કરી છે અને તે ટીમને સંભાળી લેશે તેવો મને વિશ્વાસ છે.
ક્રિકેટર જૂના દિવસોના અભિનેતા જેવા ઘડી બે ઘડીમાં ગુસ્સે કરે તેવા હોય છે પણ ચેન્નઈ સુપર કીંગ એક પરિવાર જેવી ટીમ છે અને સૌએ સાથે રમતા શીખી લીધુ છે. ટીમના બે સભ્યો દિપક ચહલ અને વિકેટ કીપર ઋતુરાજ ગાયકવાડ જે પોઝીટીવ છે તે બહું જલ્દી સ્વસ્થ થઈને ટીમ સાથે જોડાશે. સુરેશ રૈના નહી હોય તો મીડલમાં ગાયકવાડને સ્થાન મળી શકે છે તે એક સારો બેટસમેન છે. ખુદ શ્રીનિવાસન માને છે કે રૈનાને જલ્દી સમજાશે કે તે શું ‘મીસ’ કરે છે અને તે પરત ફરશે.