લોકપ્રિય ટીવી સિરિયલ બાલિકા વધૂ સહિત અનેક મોટા શો અને ફિલ્મોમાં અભિનય બદલ જાણીતા થયેલા અભિનેત્રી સુરેખા સીકરીનું 75 વર્ષની ઉંમરે શુક્રવાર સવારે અવસાન થયું હતું. હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું. સુરેખા સીકરીને થોડા સમય પહેલા બીજો બ્રેક સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારથી તેમની તબિયત ખરાબ રહેતી હતી.
3 વખત નેશનલ એવોર્ડ જીતી ચુકેલા સુરેખા સીકરીના અવસાનથી બોલિવુડ અને ટીવી જગતમાં શોકની લહેર પ્રસરી હતી. સુરેખા સીકરીએ બાલિકા વધૂમાં દાદી સાનો રોલ ભજવ્યો હતો અને આ રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
સુરેખાએ 1978માં પોલિટિકલ ડ્રામા ફિલ્મ ‘કિસ્સા ખુર્સી કા’થી ડેબ્યૂ કર્યું હતું. સુરેખા સિક્રીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ત્રણવાર નેશનલ અવોર્ડ મળ્યો છે. જેમાં ફિલ્મ ‘તમસ’ (1988), ‘મમ્મો’ (1995) અને ‘બધાઈ હો’ (2018)નો સમાવેશ થાય છે. મૂળ ઉત્તરપ્રદેશના સુરેખા 1971માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજ્યુએટ થયા હતા. 1989માં તેમને સંગીત નાટક અકાદમી અવોર્ડ પણ મળ્યો હતો.