ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં વધારાનો વિરોધ કરવા માટે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ અસોસિએશન દ્વારા શુક્રવારે એક દિવસ માટે કાપડ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતના કાપડ માર્કેટની બોલબાલા દેશભરમાં છે.
નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી, 2022થી કાપડ ઉદ્યોગમાં ઉત્પાદનની 14 જેટલી વેલ્યુ એડિશન પર જીએસટી પાંચ ટકાથી વધીને 12 ટકા થવાનો છે. કેન્દ્રીય નાણાં વિભાગના આ નિર્ણયનો વિરોધ પહેલાથી કરવામાં આવી રહ્યો છે. એક મહિના પછી પણ સ્થાનિક ટેક્સટાઈલ પ્રધાન અને નવસારીના સાંસદ દ્વારા કરવામાં આવેલી રજૂઆત પછી પણ ઉકેલ ન આવતા ફેડરેશન દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં શુક્રવારે 165 જેટલા કાપડના માર્કેટ બંધ રહ્યાં હતા.
સુરતમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બાબતે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં તમામ લોકોએ સાથે મળીને આગળ વધવાનું છે. રોટી, કપડા અને મકાન દરેકની જરૂરિયાત છે અને ટેક્સટાઈલ એકમાત્ર એવું ક્ષેત્ર છે જેની જરૂર દરેકને જ પડે છે.વેપારીઓ જીએસટી વધારાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દા પર રાજકારણ પર ગરમાયું હતું. આમ આદમી પાર્ટીએ પણ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.