દિવાળીના તહેવાર દરમિયાન કોવિડ-19ના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનામાં રાખીને સુરત મહાનગરપાલિકાએ વેકેશન પરથી પરત ફરવા આવતા લોકો માટે 72 કલાકની અંદર કરાવેલો ફ્રેશ RT-PCR રિપોર્ટ દેખાડવા માટેનો આદેશ મંગળવારે આપ્યો હતો. જો કે, બુધવારે એસએમસીના ઉચ્ચ અધિકારીઓએ તેવી સ્પષ્ટતા કરી હતી કે આ નિયમ ખાસ કરીને ગુજરાત બહાર જતા લોકો માટે લાગુ પડશે અને ગુજરાતમાં ફરતા પ્રવાસીઓ માટે નહીં.
પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમજ દેશના અન્ય ભાગમાંથી સુરત સ્થાયી થયેલા લાખો લોકો દિવાળી વેકેશન માટે તેમના વતન જાય છે. તેઓ 15થી 20 દિવસના વેકેશન બાદ પરત ફરે છે અને એસએમસીના આરોગ્ય અધિકારીઓ શહેરમાં અન્ય પ્રવાસીઓ સિવાય તેમના RT-PCR રિપોર્ટ્સ તપાસવાની યોજના ધરાવે છે. શહેર મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે ‘જો કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો અમે તે દર્દીને ટ્રેક કરીશું અને તે વ્યક્તિ ગાઈડલાઈન્સનું પાલન કરે તેની ખાતરી કરીશું. જો વ્યક્તિ પાસે રિપોર્ટ નહીં હોય તો અમે તેમની માહિતી લઈશું અને તેમનો ટેસ્ટ કરાવીશું’.
વધારે પોઝિટિવિટી રેટ ધરાવતા રાજ્યોમાં મુલાકાત લઈ રહેલા લોકો કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરે તેની ખાતરી માટે આ અપીલ કરવામાં આવી છે. અને જ્યારે તેઓ પાછા ફરે ત્યારે તેમાંથી કોણ પોઝિટિવ છે તેની અમે ઓળખ કરી શકીએ છીએ. બુધવારે સુરતમાં કોરોના ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા, આ સાથે અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 1.11 લાખે પહોંચી હતી.