સુરત- પોલીસે શુક્રવારે પ્રેમી સાથે ભાગવા માટે પરિવારને ઝેર ખવડાવવાના આરોપસર 18 વર્ષની એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. યુવતી લાંબા સમયથી પ્રેમી સાથે પરણવા માંગતી હતી . તેથી તેણે પોતાના જન્મદિવસના બે દિવસ પછી માતા પિતા અને ભાઈના ભોજનમાં ઝેર ઉમેરી દીધું અને ઘર છોડીને ભાગી ગઈ હતી. પોલીસે તે યુવતી, તેના પ્રેમી અને પ્રેમીના પિતાની ધરપકડ કરી હતી.
યુવતીના પિતા દીપક વણઝારાની ફરિયાદ અનુસાર ડિંડોલી પોલીસે ખુશ્બુ તેનો પતિ સચિન અને સચિનના પિતા અશો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ખુશ્બુ અને સચિનની દોસ્તી થઈ હતી. બે વર્ષ પહેલા પણ ખુશ્બુ દસમા ધોરણનો અભ્યાસ છોડીને સચિન સાથે ભાગી ગઈ હતી. તે સમયે સચિનના કોઈ સંબંધીના ઘરેથી બન્ને મળી આવ્યા હતા. ખુશ્બુ હજી નાની હોવાને કારણે તેને ઘરે પાછી લઈ આવવામાં આવી હતી. તેના માતાપિતા આ સંબંધના વિરુદ્ધ હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ખુશ્બુના 18મા જન્મદિવસના બે દિવસ પછી તેણે પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો. તેમણે યોજના બનાવી કે 12મી સપ્ટેમ્બરના રોજ માતા પિતાને બેભાન કરશે અને પછી ભાગી જશે. તેણે મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી અને આલુ પરોઠાના આટામાં મિક્સ કરી દીધી. સાંજના સમયે ખુશ્બુએ આખા પરિવારને દવા વાળા આલુ પરોઠા ખવડાવ્યા પણ પોતે જમવા નહોતી બેસી. થોડી વાર પછી જ્યારે પરિવારના સભ્યો બેભાન થઈ ગયા તો અશોક આવ્યો અને ખુશ્બુને પોતાની મોટરસાયકલ પર બેસાડીને લઈ ગયો અને પછી તે સચિન સાથે ભાગી ગઈ.