સુરતમાં બ્રેઈનડેડ બિઝનેસમેન વિષ્ણુભાઈ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવરઅને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી હતી. વિષ્ણુભાઇ પટેલને 30 ડિસેમ્બરે અકસ્માત થયો હતો અને તેનાથી બ્રેઇન હેમરેજ થયું હતું.

સુરતથી ચેન્નાઈનું 1,618 કિમીનું અંતર 170 મિનિટમાં કાપીને તેમના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈના રહેવાસી 62 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું હતું. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું હતું.

57 વર્ષીય વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલ સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી અંબિકા સોસાયટીમાં રહેતા હતા અને પાંડેસરા પ્રમુખ પાર્ક સોસાયટીમાં ક્રિષ્ના ટેક્ષ્ટાઇલના નામથી વિવિંગ યુનિટ ચલાવતા હતા. 30 ડિસેમ્બરના રોજ વિષ્ણુભાઈ પાંડેસરામાં આવેલ પોતાની વિવિંગ ફેક્ટરી પરથી રાત્રે 7.15 કલાકે પોતાની બાઈક પર પ્રમુખ પાર્ક પાસેના બ્રીજ ઉતરીને પોતાના ઘરે ડીંડોલી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાય આવી જતા તેઓએ બ્રેક મારતા બાઈક સ્લીપ થઇ પડી જતા તેઓને માથાના ભાગે તથા ડાબા પગે ઈજા ઇજા થઈ હતી.