સુરતના પાસોદરા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ 22 વર્ષના કોલેજ વિદ્યાર્થીએ શનિવારે સ્કૂલમાં ભણતી યુવતીનું પરિવારજનોની હાજરીમાં છરી વડે ગળુ કાપીને કરપીણ હત્યા કરી હતી. યુવતી પર હુમલો કરતાં પહેલા આ યુવકે યુવતીના મોટાબાપાને પણ છરીના ઘા માર્યા હતા.આ ઘટનામાં યુવતીનો 17 વર્ષનો ભાઇ પણ ઘાયલ થયો હતો. આરોપી ફેનિલ પંકજ ગોયાણી અને મૃતક યુવતી ગ્રીષ્મા નંદલાલ વેકરિયા સ્કૂલ સમયથી મિત્રો હતા.
આ ઘટનાને અંજાબ આપ્યા બાદ આરોપીએ કોઇ ઝેરી દવા પી લીધી હતી. તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
કામરેજ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બંને એકબીજા સ્કૂલોના દિવસોથી જાણતા હતા. પોલીસને આશંકા છે કે આ એકતરફી પ્રેમનો કિસ્સો છે. સુરતની કામરેજ પોલીસે આરોપી સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કેસની તપાસ ચાલુ કરી હતી. યુવતીના પિતા નંદલાલ હિરાના વેપારી છે અને છેલ્લાં આઠ મહિનાથી સાઉથ આફ્રિકામાં છે. યુવતીની માતા ગૃહણી છે.
પોલીસે જણાવ્યું હતું કે ફેનિલ થોડા દિવસો પહેલા યુવતીના ઘરે ગયો હતો અને પરિવારના સભ્યો સાથે બોલાચાલી થઈ હતી. પોલીસને આશંકા છે કે યુવતી આરોપી સાથે મિત્રતા રાખવા માગતી ન હતી. તેનાથી આ ઘટના બની હોવાની શક્યતા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર શનિવારની સાંજે ગ્રીષ્માએ તેના કાકાને માહિતી આપી હતી કે સુરતના કાપોદરાની સાગર સોસાયટીમાં રહેતો ફેનિલ સોસાયટીના ગેટ પર આવ્યો છે અને છેલ્લાં એક વર્ષથી હેરાન કરે છે. સાંજે આશરે છ વાગ્યે યુવતીના મોટા બાપા સુભાષભાઈ આરોપી યુવકને સમજાવવા ગયા હતા. આ સમયે ફેનિલે ગુસ્સામાં આવીને સુભાષભાઇ પર છરીના ઘા માર્યા હતા. યુવતીના ભાઇએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી ગ્રીષ્મા બહાર દોડી આવી હતી, પરંતુ આરોપીએ ગ્રીષ્માને છરીને અણીએ પકડી હતી અને ગળુ કાપી નાંખ્યું હતું. આ સમગ્ર ઘટનાનો યુવતીના પરિવારના સભ્યોએ વીડિયો ઉતાર્યો હતો.