સુરતમાં કોરોનાના નવા કેસોની સાથે બ્લેક ફંગસ કે મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં સુરત શહેરમાં મ્યુકરમાઈકોસિસના 135 દર્દીઓ સારવાર હેઠળ છે.
થોડા સમય પહેલા સુરત શહેર અને જિલ્લામાં બ્લેક ફંગસના રોજના 60થી 70 દર્દીઓમાં નોંધાતા હતા, આ સંખ્યા ઘટીને હાલમાં 10થી 12 પર પહોંચી ચુકી છે. આમ, હાલના તબક્કે બ્લેક ફંગસના નામથી પણ ઓળખાતા આ રોગચાળાના દર્દીઓની સંખ્યા એકંદરે સ્થિર થઈ જવા પામી છે અને આગામી બે – ત્રણ સપ્તાહમાં સંભવતઃ આ રોગચાળા પર પણ કાબુ મેળવવામાં સફળતા સાંપડી શકે છે.
કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ ડાયાબિટીસ સહિતની અન્ય બિમારીઓ ધરાવતાં દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસ થવાની શક્યતાઓ સૌથી વધુ જોવા મળતી હતી. જો કે, હવે આ રોગના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલ સુરત શહેરની સ્મીમેર – સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં મળીને 135 દર્દીઓ દાખલ છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાં 21, સિવિલ હોસ્પિટલમાં 51 અને ખાનગી હોસ્પિટલમાં આ દર્દીઓનો આંકડો 63 નોંધાવા પામ્યો છે. એક તબક્કે સુરત શહેરની ખાનગી હોસ્પિટલોમાં જ આંકડો બિનસત્તાવાર 500થી વધુ નોંધાયો હતો.