ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશનું આઇટી હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરમાં માત્ર બે વર્ષમાં આશરે 1,600 નાની-મોટી આઈટી કંપનીઓ ખૂલી છે. વિદ્યાર્થીઓ સુરત આવી પોતાની કંપની ખોલી રહ્યા છે. ભવિષ્યમાં સુરતના IT સેક્ટરને પ્રોત્સાહન આપી શકાય એ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત IT કમિટીની રચના કરવામાં આવી છે અને સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટીની સ્થાપના પણ કરાશે. ડાયમંડ બુર્સની જેમ એક જ જગ્યાએ તમામ આઈટી કંપનીઓ હોય તેવી યોજના બનાવવામાં આવી છે.
બેંગલુરુ, પુણેમાં નોકરી માટે ગયેલા વિદ્યાર્થીઓ સુરત આવી પોતાની કંપની ખોલી રહ્યા છે. આવા સોફ્ટવેર ડેવપરને ગૂગલે 2019માં ચાર હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનો અંદાજ છે. ચેમ્બરના આઈટી કમિટી ચેરમેન ગણપત ધામેલિયાએ જણાવ્યું હતું કે આઈટી ક્ષેત્રે સુરત હબ બને અને સુરતના યુવાનોને રોજગારી મળે તે માટે ચેમ્બરમાં આઈટી કમિટી બનાવવામાં આવી છે.