કર્ણાટકમાં સ્કૂલ-કોલેજોમાં મુસ્લિમ યુવતીઓ દ્વારા હિજાબ પહેરવાના મુદ્દે ઊભો થયેલો વિવાદ હવે ગુજરાતના સુરત સુધી પહોંચી ગયો છે. મંગળવારે સુરત ખાતે આવેલી પી.પી. સવાણી શાળામાં હિજાબ મુદ્દે વિવાદ ઊભો થયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આ શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા સ્થાનિક રહેવાસીઓ અને હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. હિંદુ સંગઠનોએ આ મુદ્દે શાળાની બહાર એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો.
સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પહોંચતા વાતાવરણ ગરમાયું હતું. વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને શાળામાં ન આવી શકે સહિતના સૂત્રોચ્ચાર સાથે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિવાદ વકરે નહીં તે માટે પોલીસનો કાફલો શાળામાં પહોંચી ગયો હતો અને હિંદુ સંગઠનોના આશરે 12 કાર્યકરોની અટકાયત કરી હતી.
કર્ણાટકમાં હિજાબ વિવાદની વચ્ચે સોમવારે એક હિન્દુ યુવકની હત્યા થઈ હતી અને તેનાથી હિંસા ફેલાઈ હતી. રાજ્ય સરકારે કેટલાંક વિસ્તારોમાં સ્કૂલ કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો હતો.