સુરતના જીઆઇડીસી એરિયામાં ગુરુવાર, 6 ડિસેમ્બરે એક કંપનીમાં ગેસ લીકેજની ઘટનાથી છ લોકોના મોત થયા હતા અને બીજા 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝેરી ગેસ આજુબાજુના વિસ્તારમાં પ્રસર્યો હોવાથી આસપાસના 26 મજૂરો બેભાન થયા હતા. ઝેરી ગેસની અસરથી 2 કૂતરા પણ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ હતા.
હોસ્પિટલના ઇનચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે કંપનીમાં ગેસ લીકેજથી છ લોકોના મોત થયા હતા અને 20 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફેકટરીની નજીક પાર્ક કરવામાં આવેલા કેમિકલ ટેન્કરમાંથી લીકેજને કારણે આ ઘટના બની હતી. આ દુર્ઘટના વિશ્વપ્રેમ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં બની હોવાનું માનવામાં આવે છે અને મૃતકો આ ફેકટરીના કામદારો હતા.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું હતું કે ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ઝેરી ગેસ લીક થયો હતો અને આજુબાજીના વિસ્તારોમાં ફેલાયો હતો. તેનાથી 26 કામદારો બેભાન થયા હતા.
વહેલી સવારે 4.25 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, સચિન GIDCના નોટિફાઈડ વિસ્તારમાં રાજ કમલ ચોકડી ખાતે 1 ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે ટોક્ષિક કેમિકલ ખાડીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન કેમિકલનું ટોક્ષિક ગેસ આજુબાજુના વિસ્તારમાં પ્રસરી ગયો હતો. જેમાં નજીકમાં આવેલ વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલના અને તેની આજુ બાજુના 26 મજુરો/કારીગરોને આ ટોક્ષિક ગેસની અસર થતા બેભાન થઈ ગયા હતા.