ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડએ બુધવાર (23 ફેબ્રુઆરી)એ બાતમીના આધારે સુરતના પુણા વિસ્તારના કુંભારિયા ગામમાંથી અંદાજે 518 કિલો ચંદનના જથ્થા સાથે બે આરોપીની અટકાયત કરી હતી. ગુજરાત એટીએસ દ્વારા સુરત એસઓજી અને વન વિભાગની ટીમની સાથે રાખીને સંયુક્ત ઓપરેશનમાં આ રેડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ ખેડૂત પાસેથી ચંદનનો જથ્થો લઈ બંને આરોપીઓ તેને વેચવાની ફિરાકમાં હતા. હવે આ બંને આરોપીઓ કોના ત્યાંથી ચંદનના જથ્થો લાવ્યા હતા અને કોને વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે મામલે એટીએસે પૂછપરછ હાથ ધરી હતી.
ગુજરાત એટીએસની ટીમે કુંભારિયા ગામના મકાનમાંથી ચંદનના કુલ 23 નંગ લાકડા મળી આવ્યા હતા, અને તેનું કુલ વજન અંદાજે 518 કિલો જેટલું થાય છે. આરોપીઓએ આ લાકડા ખેડૂત પાસેથી 700 રૂપિયા પ્રતિ કિલોની કિંમતે ખરીદ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું, અને આગળ તેઓ 1400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાનું હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
જો કે, હાલ ચંદનના આ જથ્થો જપ્ત કરીને તેના સેમ્પલ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જો ગ્રામ્ય વિસ્તારમાંથી આ ચંદન કપાયું હશે તો ત્યાં જઈને તપાસ કરવામાં આવશે તેવું પણ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અટકાયત કરેલ એક આરોપીએ જણાવ્યું હતું કે, તેણે પોતાના પરિચિતના ખેતરમાંથી ચંદનના લાકડાની ચોરી કરતો હતો અને ત્યારબાદ ચોરી કરેલા ચંદનના લાકડા પોતાના ઘરે લાવી તેનો સંગ્રહ કરતો હતો.