સુરત નજીકના મગદલ્લા એરપોર્ટની સુરક્ષાની જવાબદારી પોલીસની જગ્યાએ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળને વિધિવત રીતે સુપરત કરવામાં આવી છે. એરપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઔદ્યોગિક સુરક્ષા દળના એડીપી પ્રમોદકુમાર પલનીકરની ઉપસ્થિતિમાં સુરક્ષાની જવાબદારી હસ્તાંતરિત થઈ હતી.
દેશમાં કુલ 64 જેટલા એરપોર્ટના સુરક્ષાની જવાબદારી ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) સંભાળે છે. સુરત એરપોર્ટનો ઉમેરો થતાં કુલ સંખ્યા 65ની થઈ છે. સીઆઈએસએફના એડીપી પ્રમોદકુમાર પલનીકરે આ પ્રસંગે જણાવ્યું કે, સુરત જેવા ઐતિહાસિક શહેરના વિમાન મથક ઉપર આજે સીઆઈએસએફ સેવાની શરૂઆત કરે છે, તે અમારે માટે સૌભાગ્યની વાત છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે એરપોર્ટની સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસ સંભાળતી હોવાથી ઘણી નવી એરલાઇન્સ કંપનીઓ અહીં આવતા ખચકાતી હતી. પરંતુ હવે સુરક્ષાની જવાબદારી આજથી સીઆઇએસએફને આપવામાં આવી હોવાથી આ અવરોધ દૂર થયો છે.