ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક ખાનગી બસ પુલ પરથી 40 ફૂટ ઊંડી ખાઇમાં ખાબકતા 5 વ્યક્તિના મોત થયા હતા અને 34થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ધટના 21 ઓક્ટોબર, મંગળવારની વહેલી સવાર બની હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ખાનગી બસ જલગાંવથી સુરત તરફ આવતી હતી અને બસમાં 40 જેટલા મુસાફરો હતા.
આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ નવાપુર-ધુલે-સુરત નેશનલ હાઇવે નં .6 પર વિસરાવાડી નજીક કોંડાઈબારી ઘાટમાં જલગાંવથી સુરત તરફ જતાં કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી મોડીરાત્રે 2 વાગ્યે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નીચે ખાબકી હતી. સૌથી વધુ સુરત અને જલગાવના ઇજાગ્રસ્ત છે. મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે.
ડ્રાઈવરને ગંભીર હાલતમાં વિસારવાડી રૂરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે તેને નંદુરબાર જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘાયલોની સંખ્યા વધુ હોવાને કારણે વિસરાવાડી, નવાપુર, ખાંડબારા, નંદુરબાર, પિંપલનેર અને દાહિવેલથી 108 એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે.