અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાન રાજથી ટેક્સટાઈલના હબ ગણાતા સુરતના ટેક્સટાઇલ વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. ટેક્સટાઇલ નિકાસકારો અને દલાલોનો દાવો છે કે સત્તાપરિવર્તનને કારણે આશરે રૂા.400 કરોડનું પેમેન્ટ અટવાયું છે. અફઘાનિસ્તાનમાં સ્થિતિને જોતા તેમને પેમેન્ટ નહીં મળે તેવો તેમને ડર છે.
સુરતમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં વધારે માગ છે. ત્રણ વર્ષ પહેલા સુધી, મહિલાઓ માટેના તૈયાર કપડા ખરીદવા માટે અફઘાનિસ્તાનના વેપારીઓ અવાર-નવાર શહેરની મુલાકાત લેતા હતા. તેઓ અંગત રીતે વસ્તુઓની પસંદ કરતા હતા અને દિલ્હીમાં તેમના ધંધાના સહયોગીઓના માધ્યમથી ચૂકવણી કરતા હતા.
એક અંદાજ મુજબ ઓછામાં ઓછા રૂા.100 કરોડના કપડા દર મહિને પાકિસ્તાન અથવા દુબઈ મારફતે અફઘાનિસ્તાન મોકલવામાં આવતા હતા. ઘણા નિકાસકારો માટે કામ કરતા એક દલાલ જણાવ્યું હતું કે, ‘કાપડ બજારમાં ક્રેડિટનો સમયગાળો ત્રણ મહિના સુધીનો હોય છે અને પાકિસ્તાન અથવા દુબઈ મારફતે અફઘાનિસ્તાનને પૂરા પાડવામાં આવતા માલમાં, પેમેન્ટ ત્રણથી ચાર મહિનામાં પ્રાપ્ત થાય છે. જો કે, અશાંતિના કારણે ઘણા નિકાસકારોનું આશરે 400 કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે’. અશાંતિના કારણે પાકિસ્તાન અથવા દુબઇ દ્વારા નિકાસ પણ પ્રભાવિત થયું છે.
એક કાપડના ઉત્પાદક જણાવ્યું હતું, ‘ઘણા નિકાસકારોને મોટું નુકસાન થયું છે અને સ્થિતિ ક્યારે સુધરશે તેના વિશે કોઈને જાણ નથી. સ્થિતિ નિયંત્રણ બહાર જતા રહેતા મેં છેલ્લા કેટલાક મહિનાથી અફઘાનિસ્તાન સાથે વેપાર કરવાનું બંધ કરી દીધું છે. મને હજી છેલ્લા બે મહિનાના ઓર્ડરનું પેમેન્ટ મળ્યું નથી અને મને તે ક્યારે મળશે તેની પણ ખાતરી નથી’.