ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉન નહીં લાદવામાં આવે તેવી સ્પષ્ટતા કરી હોવા છતાં સુરતમાં કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે લોકડાઉન કે વધુ કરફ્યૂની અટકળો ચાલે છે. તેનાથી શહેરમાં રોજગારી માટે આવેલા પરપ્રાંતિય મજૂરો પોતાના વતન તરફ દોટ મુકી રહ્યાં છે. મજૂરોનું પલાયન ચાલુ થતું સ્થાનિક વહીવટીતંત્ર સક્રિય બન્યું હતું અને લોકોને સમજાવવાના પગલાં લીધા હતા. સુરતની પાંડેસરા પોલીસે લોકડાઉનની અફવા ફેલાવવાના આરોપમાં ટ્રાવેલ્સ એજન્સી સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.
સુરતના પાંડેસરા- ગણેશનગર વિસ્તારમાં રહેતાં અન્ય રાજ્યના કારીગરો પોતાના વતન તરફ દોડી રહ્યાં છે. હાલ રેલ્વેની ટીકીટ મળતી ન હોવાથી બસમાં પોતાના વતન તરફ જઈ રહ્યાં છે. પાંડેસરા વિસ્તારમાંથી અનેક લોકો વતન તરફ જતાં હોવાથી રોજ સંખ્યાબંધ બસ દોડી રહી છે. જોકે, સરકાર પોતાના નિર્ણય વારંવાર બદલતી હોવાથી લોકોને સરકારની વાત પર ભરોસો નથી.
બસની મોંઘી ટિકિટ ખરીદીને વતન તરફ દોડતાં શ્રમજીવીઓ કોરોનાના કારણે નહી પરંતુ હોળીના તહેવાર, સામાજિક પ્રસંગ અને ખેતી માટે જઈ રહ્યાં હોવાનું જણાવે છે. કારીગરો વતન તરફ જતાં હોવાથી સ્થાનિક કોર્પોરેટરો દોડયા હતા, પરંતુ વતન જતાં પરપ્રાંતિયોને અઠકાવવામાં સફળતાં મળી નથી.
ગયા વર્ષે કોરોનાની એન્ટ્રી બાદ સુરતમાં લોક ડાઉન લાગ્યું હતું અને ત્યાર બાદ લાખો પરપ્રાંતિયો વતન ગયાં હતા. આ વર્ષે સુરત મહાનગરપાલિકાની ચુંટણી બાદ સંક્રમણમાં ભારે ઉછાળો આવ્યો છે અને હાલમાં આશરે 500ની આસપાસ કેસ નોંધાય છે.
આ અફવા મુખ્યત્વે સુરત તથા આસપાસના વિસ્તારોમાં ચાલી રહી હોવાથી નવસારીના ભાજપ સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે મેદાનમાં આવવુ પડ્યું હતું. પાટિલે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં 26 માર્ચથી લૉકડાઉન લદાવવાની વાત બિલકુલ ખોટી છે અને લોકોએ શહેર છોડીને જવાની જરૂર બિલકુલ નથી.