દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં મહામારીની સ્થિતિ વણસી છે અને ગુજરાતમાં અંકુશ બહાર ગઈ છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્થિતિનો સામનો કરવા કયા પગલાં લીધા તેની વિગત સાથે બે દિવસમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોને આદેશ આપ્યો હતો.
ગુજરાત સરકારનો ઉઘડો લેતા અંગે કોર્ટે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થિતિ અંકુશ બહાર ગઈ છે. ગુજરાતની સ્થિતિ દિલ્હી જેવી છે. કયા પગલાં લેવામાં આવ્યા છે. તમારા રાજ્યમાં શું થઈ રહ્યું છે. રાજકીય કાર્યક્રમોના સંદર્ભમાં તમે કયા પગલાં લીધા છે. તમારી પોલિસી શું છે? સુપ્રીમ કોર્ટે કોરોનાના કેસ વધવા છતાં લગ્ન અને સમારોહ કરવાની મંજૂરી આપવા માટે સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ છે.
કોર્ટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસોમાં ઉછાળો આવ્યો છે અને સત્તાવાળાએ જિસેમ્બરમાં સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવા માટે પગલાં લેવા પડશે. દિલ્હી સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિટર જનરલ સંજય જૈનને ન્યાયમૂર્તિ અશોક ભુષણના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે દિલ્હીમાં ખાસ કરીને નવેમ્બર સ્થિતિ વણસી છે. કયા પગલાં લેવામાં આવ્યા છે તેનો તમારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો પડશે.
મહારાષ્ટ્ર સરકારના વકીલને ખંડપીઠે જણાવ્યું હતું કે કેસોમાં ઉછાળો આવ્યો છે અને આ તો હજુ માત્ર નવેમ્બર છે. ડિસેમ્બરમાં સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહો. તમારે પગલાં લેવા પડશે. કોર્ટે જણાવ્યું હતું કે સ્થિતિને હળવી કરવા માટે કેન્દ્ર અને રાજ્યોએ તમામ પ્રયાસ કરવા પડશે.
સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીઓની યોગ્ય રીતે સારવાર ન થવા અને હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની લાશ સાથે યોગ્ય વ્યવહાર ન કરવા અંગે જાતે નોંધ લીધી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી શુક્રવારે થશે.