નવી દિલ્હી
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન વી રમનાએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સરકારોને સૌથી મોટી લિટિગન્ટ્સ ગણાવી હતી અને પેન્ડિંગ કેસોમાં તેમનો હિસ્સો 50 ટકા હોવાનું જણાવ્યું હતું. દેશના ત્રણ મુખ્ય અંગો વહીવટીતંત્ર, ધારાકીય અને ન્યાયતંત્રને ફરજોનું પાલન કરતી વખતે લક્ષ્મણ રેખાનું પાલન કરવાનું યાદ અપાવીને તેમણે સરકારોને બાંયેધરી આપી હતી કે જો કાયદા મુજબ હશે તો ન્યાયતંત્ર ક્યારેય વહીવટીતંત્ર માટે અવરોધ ઊભો કરશે નહીં.
રાજ્યોના મુખ્યપ્રધાનો અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશોની જોઇન્ટ કોન્ફરન્સમાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે ભારતના ન્યાયતંત્ર સામેની મુખ્ય સમસ્યાઓમાં પેન્ડિંગ કેસો, ખાલી પડેલી જગ્યાઓ, ન્યાયમૂર્તિ-વસ્તીનો ઘટતો જતો રેશિયો અને કોર્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવનો સમાવેશ થાય છે.
પેન્ડિંગ કેસોના ભરાવાના વિસ્ફોટ માટેના કારણો ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ન્યાયિક આદેશનું પાલન ન થવાથી બદનક્ષીના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોર્ટનો ચુકાદો આવી ગયા પછી પણ સરકારોની ઇરાદાપૂર્વકની નિષ્ક્રીયતા લોકશાહીની તંદુરસ્તી માટે સારી બાબત નથી. સરકારોને સૌથી મોટી લિટિગન્ટ્સ ગણાવીને તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્રની વિવિધ પાંખની નિષ્કીયતાને કારણે નાગરિકોને કોર્ટનો આશરો લેવો પડે છે.
હાઇકોર્ટમાં જજોની 388 ખાલી જગ્યા
ન્યાયતંત્રમાં ખાલી જગ્યાને મુદ્દે ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં 1,104 જજની પોસ્ટને મંજૂરી મળી છે, પરંતુ તેમાં 388 ખાલી છે. અમે ગયા વર્ષે વિવિધ હાઇકોર્ટમાં એપોઇન્ટમેન્ટ માટે 180 ભલામણો કરી હતી, તેમાં 126 પર નિયુક્તિ થઈ છે. જોકે 50 દરખાસ્તો હજુ ભારત સરકારની મંજૂરીની રાહ જોઇ રહી છે. હાઇકોર્ટે ભારત સરકારને 100 નામો મોકલ્યા છે. તે હજુ સુધી અમને મળ્યા નથી.