પતંજલિ આયુર્વેદ કેસમાં સુનાવણીનો વ્યાપ વિસ્તારતા સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ એફએમસીજી કંપનીઓની ભ્રામક જાહેરાતો અંગે કડક વલણ અપનાવ્યું હતું અને ત્રણ કેન્દ્રીય મંત્રાલયોને લોકોના આરોગ્યને પ્રતિકૂળ અસર કરતી આવી પ્રથાને કાબૂમાં લેવા માટે લીધેલા પગલાઓ માહિતી આપવાની તાકીદ કરી હતી.
કોર્ટે ભ્રામક જાહેરાતોનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્યની લાઇસન્સિંગ ઓથોરિટીને સજાગ બનવાની પણ તાકીદ કરી હતી. અન્ય ઘણી FMCG કંપનીઓ ભ્રામક જાહેરાત આપી રહી છે અને કેન્દ્રે આ અંગે શું કર્યું છે તેનો જવાબ આપવો પડશે. જો ભ્રામક જાહેરાતો થઈ રહી છે તો કેન્દ્ર સરકારે રાજ્ય લાઇસન્સિંગ સત્તાવાળાઓએ પણ પોતાને સક્રિય કરવાની જરૂર છે.
યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના તેમના સહયોગી બાલકૃષ્ણે જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચને કહ્યું કે તેઓએ ભ્રામક જાહેરાતો માટે 67 અખબારોમાં જાહેરમાફી માગી છે અને આવી વધારાની જાહેરાતો આપવા માટે તૈયાર છે. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 30 એપ્રિલ નિર્ધારિત કરી હતી.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાત) એક્ટ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની સંબંધિત જોગવાઈઓના અમલીકરણ માટે અને સંબંધિત નિયમોની પણ ઝીવણભરી તપાસ કરવાની જરૂર છે. આ મામલો કોઇ એક પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એવી તમામ ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ સુધી વિસ્તરેલો છે, જે ભ્રામક જાહેરખબરો આપે છે અને લોકો સાથે છેતપરિંડી કરે છે. આવી ભ્રામક જાહેરાતો ખાસ કરીને નાના બાળકો, શાળાએ જતા બાળકો અને વૃદ્ધોના આરોગ્યને અસર કરે છે, કારણ કે તેવો ભ્રામક જાહેરાતોને આધારે પ્રોડક્ટ્સનું સેવન કરતા હોય છે.
કોર્ટે કેન્દ્રીય ગ્રાહક બાબતો, માહિતી અને પ્રસારણ તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયોને ગ્રાહક કાયદાના દુરુપયોગને રોકવા માટે શું પગલાં લીધાં છે તેની માહિતી આપવા તાકીદ કરી હતી. કોર્ટે આયુષ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લાયસન્સિંગ સત્તાવાળાઓ અને આયુષના ડ્રગ કંટ્રોલર્સને ઓગસ્ટ 2023માં જારી કરાયેલા પત્ર અંગે પણ કેન્દ્ર પાસેથી ખુલાસો માંગ્યો હતો. આ પત્રમાં મંત્રાલયે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ 1945ના નિયમ 170 હેઠળ કોઇ પગલાં ન લેવાની સૂચના આપી હતી.
ખંડપીઠે જણાવ્યું હતું કે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાત) એક્ટ અને નિયમો, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની તપાસ કરવા માટે ત્રણ કેન્દ્રીય મંત્રાલયોને સામેલ કરવા જરૂરી છે.