કર્ણાટકમાં સ્કૂલ કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના નિર્ણયને પડકારી અરજીના કેસમાં સુપ્રીમ કોર્ટની બે જજની ખંડપીઠે ખંડિત ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ પ્રતિબંધ સામેની અરજીને રદ કરી છે, જ્યારે જસ્ટિસસ સુધાંશુ ધુલિયાએ અરજીને સ્વીકારી છે. અગાઉ કર્ણાટકની હાઇકોર્ટે હિજાબ પ્રતિબંધના સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી.
આણ સુપ્રીમ કોર્ટની ખંડપીઠ શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર નિર્ણય લઈ શકી નથી. જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ હાઇકોર્ટનો ચુકાદો રદ કર્યો અને હિજાબ ઉપરનો પ્રતિબંધ અયોગ્ય ઠેરવ્યો છે. જસ્ટિસ ધુલિયાએ રાજ્ય સરકારનો પ્રતિબંધ મૂકતો ઠરાવ પણ રદ કર્યો છે. ખંડપીઠના બન્ને જજના અલગ અલગ નિર્ણયથી હવે સમગ્ર મામલો ચીફ જસ્ટિસ સમક્ષ જશે. દેશના ચીફ જસ્ટિસ યોગ્ય નિર્ણય લઈ આ કેસમાં આગળનો માર્ગ નક્કી કરશે.
બે સભ્યોની બેન્ચમાં આ મુદ્દે મતભેદો હતા. આવી સ્થિતિમાં હવે આ કેસ ત્રણ જજોને સોંપવામાં આવ્યો છે.
હવે મોટી બેન્ચમાં સર્વસંમતિ અથવા બહુમતીથી જ નિર્ણય લઈ શકાશે. ગુરુવારે જસ્ટિસ હેમંત ગુપ્તાએ પોતાનો ચુકાદો આપતાં કર્ણાટક સરકાર વતી હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો અને વિરોધીઓની અરજીને ફગાવી દીધી હતી.કર્ણાટકમાં હિજાબ વિવાદની શરૂઆત ઉડ્ડુપીના એક મહિલા કોલેજથી થઈ હતી. ત્યાં કેટલીક વિદ્યાર્થીનીઓને પ્રિન્સિપાલ અને સ્ટાફે હિજાબ પહેરીને ક્લાસમાં જતા રોકી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ દેખાવો કર્યા હતા. કર્ણાટકના અન્ય ભાગોમાં અને દેશના બીજા રાજ્યોમાં પણ હિજાબને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો.