ભ્રામક જાહેરાતોના કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના બાલકૃષ્ણની એફિડેવિટને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટમાં બંનેએ બિનશરતી માફી માંગી હતી. જોકે કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટ માફીઓ સ્વીકારે તેટલી ઉદાર બનવા માંગતી નથી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 16 એપ્રિલે નિર્ધારિત કરી હતી.
આ મામલે નિષ્ક્રિયતા બદલ ઉત્તરાખંડ રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટીની પણ ઝાટકણી કાઢતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે તે આ બાબતને હળવાશથી લેશે નહીં, કારણ કે ઓથોરિટીએ તેની આંખો જાણીજોઈને બંધ રાખી હોવાનું જણાય છે.
સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે રામદેવ અને બાલકૃષ્ણને કારણ દર્શાવવાની નોટિસ જારી કરવામાં આવ્યા પછી, તેઓએ કોર્ટમાં તેમની વ્યક્તિગત હાજરીથી તેની અગવણના કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સૌથી અસ્વીકાર્ય છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટીની ઓફિસમાં સક્ષમ અધિકારીએ ફાઇલને આગળ મૂકવા સિવાય કંઈ કર્યું નથી અને ચાર-પાંચ વર્ષથી આ મુદ્દા પર ઊંડી નિંદ્રામાં રહ્યાં છે. ખંડપીઠે હરિદ્વારાના જીલ્લા આયુર્વેદિક અને યુનાની અધિકારીઓ પણ તેમની નિષ્ક્રિયતા બદલ એફિડેવિટ ફાઇલ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે લાઇસન્સિંગ ઓથોરિટીના અધિકારી અને જિલ્લા આયુર્વેદિક અને યુનાની અધિકારીને તેમની નિષ્ક્રિયતા માટે શા માટે સસ્પેન્ડ કરવામાં ન આવે.
રામદેવ અને બાલકૃષ્ણ વતી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ બિનશરતી અને માફી માગતા સોગંદનામાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે કોર્ટે જણાવ્યું હતું કે કે રેકોર્ડ પર છે તે માફીઓ માત્ર કાગળ પર છે. ઓર્ડર પસાર થયાના બીજા જ દિવસે તેઓ તમામ પ્રકારની વાતો કહે છે. અમે આ એફિડેવિટ સ્વીકારતા નથી. અમે તેને સ્વીકારવા અથવા માફ કરવાનો ઇનકાર કરીએ છીએ. અમે તેને આદેશનું ઇરાદાપૂર્વકનું ઉલ્લંઘન અને બાંયધરીનું ઉલ્લંઘન માનીએ છીએ.