સુપ્રીમ કોર્ટે 1.47 લાખ કરોડ રૂપિયા જમા કરાવવાના આદેશની પુન:સમીક્ષા કરવા માટે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા સહિતની ટોચની ટેલિકોમ કંપનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરના પોતાના આદેશમાં ટેલિકોમ કંપનીઓને ટેલિકોમ વિભાગને 1.47 લાખ કરોડ રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. ટેલિકોમ કંપનીઓની પુન:સમીક્ષા કરવાની અરજીઓને ફગાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કંપનીઓએ એવો કોઇ યોગ્ય કારણ રજૂ કર્યુ નથી જેના આધારે તેમની અરજીઓની સમીક્ષા કરવામાં આવે.
ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયમૂર્તિ એસ એ નઝીર તથા ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓની અરજીઓમાં કોઇ મેરિટ ન હોવાથી તેમની અરજીઓ ફગાવવામાં આવે છે. ટેલિકોમ કંપનીઓએ પોતાની સમીક્ષા અરજીઓે અંગે ઓપન કોર્ટ હિયરિંગની માગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર, 2019ના રોજ ટેલિકોમ કંપનીઓને મોટો આંચકો આપ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન ટેલિકોમ કંપનીઓને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન(ડોટ)ને 1.47 લાખ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સુનાવણી દરમિયાન ડોટે કોર્ટને જણાવ્યું હતું કે ટર્મિનેશન ફી ઉપરાંત ટેલિકોમ કંપનીઓને મળનારી તમામ આવક, રોમિંગ ફી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)નો ભાગ છે. બીજી તરફ ટેલિકોમ કંપનીઓએ દલીલ કરી હતી કે નોન ટેલિકોમ આવક જેવી કે ભાડું, ઇન્ટરન્ટ આવક, નફો વગેરેને એજીઆરમાં સામેલ ન કરવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે 2006માં ટેલિકોમ સેટલમેન્ટ એન્ડ એપ્પેલેટ ટ્રિબ્યુનલ (ટીડીએસએટી)એ ટેલિકોમ કંપનીઓની તરફેણમાં ચુકાદો આપ્યા હતો. ત્યારબાદ ટેલિકોમ વિભાગે ટીડીએસએટીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેના પગલે 2008માં કોર્ટે ટીડીએસએટીના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો અને ટેલિકોમ કંપનીઓને નોટિસ જારી કરી હતી.
ટેલિકોમ સેક્ટર પર સાત લાખ કરોડ રૂપિયાનું દેવું છે. એજીઆરની વ્યાખ્યાનો વિવાદ ટેલિકોમ વિભાગ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે વર્ષ 2005થી ચાલી રહ્યો હતો. ટેલિકોમ સેક્ટરમાં એક સમયે 15 કંપનીઓ હતી જે હવે ઘટીને માત્ર બે જ રહી ગઇ છે.
ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર લાયસન્સ ફી પેટે ભારતી એરટેલને 21,682 કરોડ, વોડાફોનાને 19,823 કરોડ રૂપિયા, રિલાયન્સ કોમ્યુનિકેશનને 16,456 કરોડ, આઇડિયાને 8485 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.
ઉલ્લેખનીય છે કે ભારતી એરટેલ પર 26000 કરોડ, વોડાફોન-આઇડિયા પર 19000 કરોડ, રિલાયન્સ કોમ્યુનિકેશન પર 16000 કરોડ, બીએસએનએલ પર 2000 કરોડ અને એમટીએનએલ પર 2500 કરોડ રૂપિયાનું દેવું છે.