સુપ્રીમ કોર્ટે મંગળવારે મથુરાની 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન ક્રિષ્નના જન્મસ્થળ પર બનાવવામાં આવેલી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગયા મહિને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના સરવે માટે કમિશનરની નિમણૂક કરી હતી.
હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કમિશનરની નિમણૂક કરવાનો હેતુ અસ્પષ્ટ છે. શાહી ઇદગાહ-કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર કોર્ટ સમક્ષ ઘણા કેસો પેન્ડિંગ છે, જેમાં હિંદુ અરજદારો મસ્જિદ બાંધવામાં આવેલી જમીનની માંગણી કરી રહ્યાં છે.હિન્દુ સંગઠનો દાવો કરે છે કે શાહી ઇદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ અથવા “કૃષ્ણ જન્મભૂમિ” મંદિરના ખંડેર પર બનાવવામાં આવી હતી.
એક સ્થાનિક અદાલતે ડિસેમ્બરમાં હિન્દુ અરજદારોની સર્વેક્ષણની માંગણીની અરજી સ્વીકારી હતી, પરંતુ ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડ અને ઇદગાહ સમિતિએ તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હિંદુ અરજદારોએ વિવાદિત 13.37 એકર જમીનની સંપૂર્ણ માલિકીની માંગણી કરી છે, અને દાવો કર્યો છે કે સદીઓ જૂની મસ્જિદ કટરા કેશવ દેવ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી