સુપ્રીમ કોર્ટે શનિવાર (15 ઓક્ટોબર) ઉત્તરાખંડમાં જ્યોતિષપીઠના નવા શંકરાચાર્ય તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની વરણી સામે મનાઇહુકમ આપ્યો છે.
જ્યોતિષ પીઠના નવા શંકરાચાર્ય તરીકે અવિમુક્તેશ્વરાનંદની નિમણૂકને સમર્થન આપવામાં આવ્યું નથી, તેવી પુરીના ગોવર્ધન મઠના શંકરાચાર્યએ એફિડેવિટ દાખલ કરી છે, તેવી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટેને માહિતી આપ્યા પછી જસ્ટિસ બીઆર ગવઈ અને બીવી નાગરથનાની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા જ્યોતિષ પીઠના અનુગામી શંકરાચાર્ય તરીકે નિમણૂક કરવાનો ખોટો દાવો કર્યો હોવાનો આક્ષેપ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. આ કેસ 2020થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ કોર્ટ સમક્ષની કાર્યવાહી નિરર્થક બને તે સુનિશ્ચિત કરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તથા જે વ્યક્તિ લાયકાત ધરાવતી નથી અને અયોગ્ય છે, તે બિનસત્તાવાર રીતે પદ સંભાળે છે. કોર્ટના વચગાળાના આદેશ દ્વારા આવા પ્રયાસોને રોકવાની જરૂર છે અને તેથી આ અરજીને સ્વીકારવી જોઇએ. નવા શંકરાચાર્યની નિમણૂક સંપૂર્ણપણે ખોટી છે, કારણ કે તેમાં નિમણૂકની સ્વીકૃત પ્રક્રિયાનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તે અંગેના જરૂરી દસ્તાવેજો દાખલ કરવામાં આવી રહ્યા છે.