(ANI Photo)

ચૂંટણી બોન્ડ સ્કીમની વિગતો જાહેર કરવા માટે વધુ સમય આપવાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની વિનંતીને નકારી કાઢતાં સુપ્રીમ કોર્ટે સોમવાર, 11 માર્ચે આદેશ આપ્યો હતો કે બેન્કે  આવતીકાલ સુધીમાં ભારતીય ચૂંટણી પંચ (ECI)ને આ અંગેની વિગતો આપવી પડશે. આ પછી ચૂંટણી પંચે શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેની વેબસાઇટ પર ચૂંટણી બોન્ડની તમામ વિગતો જાહેર કરવી પડશે.

સર્વોચ્ચ અદાલતે વોર્નિંગ આપી હતી કે જો સરકાર માલિકીની આ બેન્ક આવતીકાલ સુધીમાં માહિતી નહીં આપે તો તેની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરાશે.

SBIની વધુ સમય આપવાની વિનંતીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આકરા સવાલો કર્યાં હતા અને જણાવ્યું હતું કે છેલ્લા 26 દિવસમાં બેન્કે શું કર્યું છે. એસબીઆઈએ 30 જૂન સુધીમાં વિગતો જાહેર કરવાની મંજૂરી માગી હતી. સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ સરકારની ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી હતી અને આ સ્કીમ હેઠળ રાજકીય પક્ષોને આપવામાં આવેલા દાનની વિગતો જાહેર કરવાની એસબીઆઇને તાકીદ કરી હતી.

એસબીઆઈની અરજીનો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ વિરોધ કર્યો હતો. આ સંગઠનને 2017માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને પડકારી હતી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમે તમને ડેટા મેચ કરવા માટે નથી કહ્યું. તમારે અમારા આદેશનું પાલન કરવાનું છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેન્ચે ચૂંટણી બોન્ડ અંગેના આંકડા જાહેર કરવામાં થયેલા વિલંબ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એસબીઆઈના વકીલ હરીશ સાલ્વેને પ્રશ્ન કર્યો કે તમારું કહેવું છે કે અમારી પાસે કવરમાં તમામ વિગતો છે કે બોન્ડ કોણે ખરીદયા છે અને કઈ રાજકીય પાર્ટીએ આ બોન્ડને રોકડમાં વટાવ્યાં છે. તો પછી તમે તેની વિગતો જાહેર કેમ નથી કરતાં? કવર ઓપન કરો અને અમને વિગતો આપો. એસબીઆઈએ ત્રણ અઠવાડિયાનો સમય માગ્યો હતો પરંતુ સુપ્રીમકોર્ટે કહી દીધું કે કવર ઓપન કરો અને ચૂંટણી પંચને વિગતો આપો.

SBIએ બોન્ડ મામલે વધુ સમય માગતા સુપ્રીમકોર્ટે SBIનો ઉધડો લીધો હતો. પાંચ જજોની બંધારણીય બેન્ચે કલમ 7નો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યારે કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડ ખરીદનારા અને તેને વટાવનારા રાજકીય પક્ષોની વિગતો જાહેર કરવાનું કહેવામાં આવે ત્યારે એસબીઆઈએ તેની વિગતો ફરજિયાત આપવી જ પડશે.

 

 

LEAVE A REPLY