ગુજરાતમાં 2002માં થયેલા ગોધરાકાંડ પછીના કોમી રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર થયેલાં દુષ્કર્મના કેસમાં 11 દોષિતોની સજા માફી રદ્દ કરતી વખતે ગુજરાત સરકાર વિરુદ્ધ કરાયેલાં કેટલાંક નિરીક્ષણોની સમીક્ષા માટે સરકાર દ્વારા થયેલી રીવ્યુ પીટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના તથા જસ્ટિસ ઉજ્જવલ ભૂયાનની બેન્ચે અરજીને જાહેર કોર્ટમાં લિસ્ટ કરવાની અરજી પણ ફગાવી હતી. બેન્ચે જણાવ્યું હતું કે, રીવ્યુ પીટિશન, પડકારાયેલા આદેશ અને અહીં રજૂ થયેલાં દસ્તાવેજોના ઝીણવટપૂર્વકના અભ્યાસ બાદ અમે એ બાબતથી સંતુષ્ટ છીએ કે રેકોર્ડમાં કોઈ ખામી નથી, તેથી આ રીવ્યુ પીટિશન રદ્દ કરવામાં આવે છે.
ગુજરાત સરકારે તેની અરજીમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ગત 8 જાન્યુઆરીના તેના આદેશમાં અન્ય એક ઉપલી કોર્ટની બેન્ચના આદેશનું પાલન કરવા માટે રાજ્ય સરકારને સત્તાનું ઉલ્લંઘન તથા વિવેકબુદ્ધિનો દુરૂપયોગ કરવા બદલ દોષિત ગણાવી હતી, જે દેખીતી ભૂલ છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની અન્ય એક બેન્ચે મે, 2022માં એવું ઠેરવ્યું હતું કે, સજા માફીની 1992ની નીતિ અંતર્ગત આરોપીઓ પૈકીના એકની અરજીનો નિર્ણય લેવા માટે ગુજરાત સરકાર યોગ્ય છે અને તેણે રાજ્ય સરકારને તેનો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.

LEAVE A REPLY