(ANI Photo/Ishant)

સુપ્રીમ કોર્ટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવવા બદલ AAP સાંસદ સંજય સિંહ સામે જારી કરવામાં આવેલા માનહાનિના સમન્સ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં ગુજરાતની કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પડકાર્યું હતું.

ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ અને સંજય સિંહ સામે તેમની કથિત ટિપ્પણીઓને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અગાઉ ગુજરાત હાઈકોર્ટે માહિતીના અધિકાર હેઠળ મોદીની શૈક્ષણિક ડિગ્રી વિશે માહિતી આપવાના મુખ્ય માહિતી કમિશનરના આદેશને રદ કર્યો હતો.

સંજય સિંહ અને કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને અંગે ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના કારણે યુનિવર્સિટીએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પછી નીચલી કોર્ટે સંજય સિંહને સમન્સ મોકલ્યું હતું. સંજય સિંહ તરફથી કોર્ટમાં વકીલ રેબેકા જ્હોને કહ્યું હતું કે, ‘સંજય સિંહે યુનિવર્સિટી વિશે જે પણ કહ્યું તેમાં માનહાનિ જેવું કંઈ નથી. વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે નિવેદન યુનિવર્સિટીની માનહાનિ જેવું નથી. એવું કહેવામાં આવ્યું નથી કે ગુજરાત યુનિવર્સિટીએ નકલી ડિગ્રી બનાવી છે.’ આના પર કોર્ટે કહ્યું કે, ‘જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી થશે ત્યારે આ દલીલો આપી શકાય છે.’

LEAVE A REPLY