બહુચર્ચિત બિલ્કિસ બાનુ કેસના 11 દોષિતોને જેલમુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી સુનાવણી કરતા કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકારને નોટિસ આપી જવાબ માંગ્યો હતો. કોર્ટ આ કેસની વધુ સુનાવણી બે અઠવાડિયા સુધી મોકૂફ રાખી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને પોતાનો પક્ષ રજૂ અને 11 દોષિતોને જેલમુક્ત કરવાનો જવાબ રજૂ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું દોષિતો ગુજરાત રાજ્યના નિયમો હેઠળ મુક્તિ મેળવવા પાત્ર છે કે નહીં. તેમને છોડતી વખતે આ નિયમોનું પાલન કરવામાં આવ્યુ હતું કે કેમ તે કોર્ટે જોવું પડશે.
ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન બિલ્કિસ બાનુના પરિવારની હત્યા કરીને તેમના પર રેપ કરાયો હતો. આ ઘટના ગુજરાતના રણધિકપુર ગામમાં 3 માર્ચ 2002ના રોજ બની હતી. લાંબી કાયદાકીય લડાઈ પછી આ 11 આરોપીઓને જેલની સજા થઈ હતી. 15મી ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે આ 11 દોષીઓને ગોધરાની સબજેલમાંથી મુક્ત કર્યા હતા. આ તમામ દોષીઓએ 15 વર્ષથી વધારે સમય જેલની સજા કાપી લીધી છે.