એલોપથી અને ડોક્ટર મુદ્દે નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવને નોટિસ આપીને સ્પષ્ટતા કરવા માટે તાકીદ કરી હતી. અગાઉ પણ દિલ્હી હાઈકોર્ટે એલોપથી વિરુદ્ધ બોલીને લોકોને ગેરમાર્ગે ના દોરવાની સલાહ આપી હતી.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની અરજી પર સુપ્રીમ કોર્ટે પતંજલી આયુર્વેદ અને કેન્દ્ર સરકારને પણ નોટિસ આપી હતી. કોર્ટે એલોપથીને બદનામ કરતી જાહેરાત દર્શાવવા પર સ્પષ્ટતા માગી હતી. ભારતના ચીફ જસ્ટિસ એનવી રમનાએ જણાવ્યું હતું કે બાબા પોતાની આરોગ્ય પ્રણાલી લોકપ્રિય બનાવી શકે છે, પરંતુ અન્યની ટીકા શા માટે કરવી. અમે તેમનુ સન્માન કરીએ છીએ. તેમણે યોગને લોકપ્રિય બનાવ્યો છે. પરંતુ તેમણે અન્ય પ્રણાલીને ખોટી કહેવી જોઈએ નહીં.
કોર્ટે સવાલ કર્યો હતો કે એની શુ ગેરંટી છે કે જેનુ બાબા રામદેવ પાલન કરે છે, તે બધુ જ સારૂ કરી દેશે. બાબા રામદેવએ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડન અંગે જણાવ્યું હતું કે તેઓ વેક્સિન લેવા છતાં પણ કોરોના વાયરસનો શિકાર બન્યાં હતા. તેમણે આને મેડિકલ સાયન્સની નિષ્ફળતા ગણાવી હતી.