ચીનમાં સુપ્રીમ કોર્ટના એક જજને તેના કાર્યકાળના બે દાયકાના ગાળા દરમિયાન 2.27 કરોડ યુઆન (33 લાખ અમેરિકન ડોલર્સ) જેટલી રકમની લાંચ સ્વિકારવાના અપરાધ બદલ 12 વર્ષની કેદની સજા ફરમાવાઈ છે.
ગયા સપ્તાહે ઝેંગઝાઉ ખાતેની ઈન્ટરમીડિએટ પીપલ્સ કોર્ટે કરેલી જાહેરાત મુજબ જજ મેંગ શિઆંગને બે મિલિયન યુઆનનો દંડ પણ કરાયો હતો. જજે 2003 થી 2020 સુધીના ગાળામાં પોતે લાંચ લીધી હોવાની કબૂલાત કરી હતી.
કોર્ટના જણાવ્યા મુજબ મેંગે પોતાના દરજ્જા અને સત્તાનો ઉપયોગ કરી લોકોને કોર્ટના ચૂકાદા તેમજ કાયદાના પાલનની બાબતો, પેઢીઓને બાંધકામના કોન્ટ્રાક્ટ અપાવવા તેમજ કર્મચારીઓની પસંદગીની બાબતમાં તરફદારી કરવા બદલ લાંચ લીધી હતી હોવાનું હોંગ કોંગથી પ્રકાશિત થતા સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અખબારના અહેવાલમાં જણાવાયું હતું.
મેંગ ચીનના ન્યાયતંત્રમાં ત્રણ દાયકાથી વધુ સમય માટે કાર્યરત હતો અને છેક બૈજીંગની સ્થાનિક જિલ્લા કોર્ટના ક્લાર્ક તરીકે શરૂઆત કરી સુપ્રીમ કોર્ટના જજના પદ સુધી પહોંચ્યો હતો. એક ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ, ઝાઉ કિઆંગે ગયા મહિને એક વાર્ષિક મીટિગમાં આપેલી વિગતો મુજબ છેલ્લા પાંચ વર્ષમાં એકલા સુપ્રીમ કોર્ટના જ 61 ઉચ્ચાધિકારીઓની – એમાં જજ તેમજ કોર્ટના વહિવટી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે – તપાસ કરવામાં આવી હતી અને તેમને ભ્રષ્ટાચાર બદલ દંડ પણ કરાયા હતા. ચીનના ન્યાયતંત્રના ઉચ્ચતમ સ્તરે પણ પ્રવર્તી રહેલા ભ્રષ્ટાચારની આ તો એક ઝલક માત્ર છે.
મેંગ વિરૂદ્ધના ચૂકાદામાં જણાવાયા મુજબ તેને હળવી સજા કરવામાં આવી છે કારણ કે તેણે પોતાના કૃત્યો વિષે ખેદ વ્યક્ત કર્યો હતો તેમજ સરકારી તંત્રને અગાઉ જેની જાણ નહોતી એવા લાંચના અપરાધોની પણ તેણે કબૂલાત કરી હતી. અખબારના અહેવાલ મુજબ તો તેની તમામ ગેરકાયદે કમાણી જપ્ત કરાશે અને તેના ઉપર તેને મળેલું વ્યાજ પણ રાષ્ટ્રીય ટ્રેઝરીમાં જમા કરાશે.