ભારતની સુપ્રીમ કોર્ટે સોમવાર, 9 નવેમ્બરે ગુજરાત અને ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સમિતિની રચનાને પડકાર આપતી અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે કલમ 162 હેઠળ રાજ્યોને કમિટીની રચનાનો અધિકાર છે. જો રાજ્યો એવું કરી રહ્યા છે તો એમાં ખોટું શું છે. માત્ર કમિટીની રચનાને સુપ્રીમમાં પડકાર ન આપી શકાય.
કોર્ટે જણાવ્યું હતું કે યુસીસીના પરીક્ષણ માટે કમિટીની રચના રાજ્ય સરકારના દાયરામાં હોવી જોઇએ. કમિટીની રચના જ કોર્ટમાં પડકારનો આધાર નથી. તમે અરજી પાછી ખેંચો અથવા અમે તેને રદ કરી દઇશું તેમ કહેતાં અરજીકર્તાએ અરજી પાછી લઇ લીધી હતી.
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે ગત વર્ષે ઓક્ટોબરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટીની રચનાનો નિર્ણય કર્યો હતો. અનૂપ બરનવાલ તરફથી દાખલ અરજીમાં રાજ્યોની પહેલને પડકારમાં આવી હતી.
સમાન નાગરિક સંહિતા હેઠળ તમામ નાગરિકોને તલાક, દત્તક લેવા, ઉત્તરાધિકાર, સંરક્ષણ વિગેરે કેસોમાં એકસમાનરીતે જોવામાં આવશે, તેઓ કોઇ ધર્મ કે લિંગના હોય. દેશભરમાં આ કોડ લાગુ કરવા માટે અનેક અરજીઓ સુપ્રીમ સમક્ષ પેન્ડિંગ છે. કેન્દ્રે કહ્યું કે આ મામલો રાજ્યના અધિકારક્ષેત્રમાં આવે છે.