સુપ્રીમ કોર્ટે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસને પગલે ઉત્તર પ્રદેશ સરકાર અને અન્યો સામે ઊભી થયેલી કોર્ટના તિરસ્કારની સુનાવણીને મંગળવારે બંધ કરી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દો હવે અસ્તિત્વ ધરાવતો નથી. કોર્ટે બંધારણીય ખંડપીઠના નવેમ્બર 2019ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટની પાંચ જજની ખંડપીઠે 9 નવેમ્બર 2019એ અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો તથા મુસ્જિદના નિર્માણ માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન ફાળવવાનો કેન્દ્રને આદેશ આપ્યો હતો.
તિરસ્કારની કાર્યવાહીને બંધ કરતા કોર્ટે અવલોકન કર્યું હતું કે આ મુદ્દે અગાઉ સુનાવણી થવી જોઇતી હતી. અરજદારના વકીલે જણાવ્યું હતું કે તિરસ્કારની અરજી લાંબા સમયથી પેન્ડિંગ છે અને અરજદારનું 2010માં મોત થયું હતું. આશરે 30 વર્ષ પસાર થઈ ગયા છે અને અરજદારે આ મુદ્દાની સુનાવણી માટે ઘણીવાર અરજીઓ કરી હતી.
જોકે જસ્ટિસ એ કે કૌલે અવલોકન કર્યું હતું કે હું તમારી ચિંતાને સમજું છું. હવે આ મામલે કોઇનું અસ્તિત્વ નથી. આ કેસની સુનાવણી ન થઈ તે કમનસીબ છે. કોર્ટે જણાવ્યું હતું કે અમે જૂની બાબતોની સુનાવણી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોર્ટે તેના આદેશમાં નોંધ્યું હતું કે પિટિશનરનું મોત થયું છે અને આ મુદ્દાનો નવેમ્બર 2019માં બંધારણીય બેન્ચ ઉકેલ લાવી છે.મુગલ સમ્રાટ બાબરએ બાંધેલી 16મી સદીની બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર 1992એ તોડી પાડવામાં આવી હતી.