સુપ્રીમ કોર્ટે શુક્રવારે EVM પડેલા મતોનું વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સ્લીપ સાથે સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગણી કરતી અરજીઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે સિસ્ટમના કોઈપણ પાસા પર આંધળો અવિશ્વાસ કરવાની બાબત બિનજરૂરી આશંકાઓ પેદા કરી શકે છે. આમ ઘણા વિપક્ષો ઇવીએમ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે સુપ્રીમ કોર્ટે ઇવીએમને ક્લિનચીટ આપી હતી.
આ મામલે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે બે સહમત ચુકાદા આપ્યા હતાં અને ચૂંટણી માટે બેલેટ પેપર પર પાછા જવાની માંગણી સહિતની તમામ અરજીઓ ફગાવી દીધી હતી.
જોકે કોર્ટે બે આદેશો જારી કર્યા હતા. પોતાનો ચુકાદો સંભળાવતા જસ્ટિસ ખન્નાએ ચૂંટણી પંચને સ્ટ્રોંગ રૂમમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં સિમ્બોલ લોડ કર્યા પછી 45 દિવસ માટે સિમ્બોલ લોડ કરવા માટે ઉપયોગમાં લેવાતા યુનિટને સીલ કરીને સ્ટોર કરવાનો આદેશ આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે બીજા અને ત્રીજા સ્થાને રહેલા ઉમેદવારોની વિનંતી કરે તો ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી EVM ઉત્પાદકોના એન્જિનિયરોને મશીનોના માઇક્રોકન્ટ્રોલરને ચકાસવાની મંજૂરી પણ આપી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયાના સાત દિવસની અંદર માઇક્રોકન્ટ્રોલરની ચકાસણી માટે વિનંતી કરી શકાય છે, જોકે તે માટે ફી ચુકવવાની રહેશે. જો વેરિફિકેશન દરમિયાન EVM સાથે ચેડાં થયા હોવાનું બહાર આવે તો તો ઉમેદવારો દ્વારા ચૂકવવામાં આવેલી ફી પરત કરવામાં આવશે
EVMમાં ત્રણ યુનિટ હોય છે. તેમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને VVPATનો સમાવેશ થાય છે. આ ત્રણેય માઇક્રોકન્ટ્રોલર્સ મારફત જોડાયેલા છે. માઇક્રોકન્ટ્રોલર્સમાં બર્ન મેમરી હોય છે.
ખંડપીઠે સૂચવ્યું હતું કે VVPAT સ્લિપની ગણતરી માટે ઇલેક્ટ્રોનિક મશીનોનો ઉપયોગ કરી શકાય કે નહીં પાર્ટીઓ માટે તેમના ચૂંટણી પ્રતીકો સાથે બાર કોડનો ઉપયોગ કરી શકાય કે નહીં તે અંગે ચૂંટણીપંચ ચકાસણી કરશે.
સુપ્રીમ કોર્ટમાં એક અરજીમાં ઇવીએમના સ્થાને બેલેટ પેપર સિસ્ટમ લાવવાની માગણી કરાઈ હતી. બીજી ત્રણ અરજીઓમાં માગણી કરાઈ હતી કે મતદાતાઓને વેરિફિકેશન માટે VVPATની સ્લિપ આપવામાં આવે અને આવી સ્લીપો મતપેટીમાં ગણતરી માટે મૂકવામાં આવે અને VVPAT સ્લિપની 100 ટકા ગણતરી થવી જોઈએ. કોર્ટે આ તમામ અરજીઓ ફગાવી દીધી હતી.
ભારત 2000થી મતદાન માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ થાય છે. બેલેટ યુનિટ VVPAT (વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ) યુનિટ સાથે જોડાયેલ હોય છે. VVPATમાં કઇ પાર્ટીને વોટ આપ્યો તેની પેપર સ્લીપ નીકળે છે અને સાત સેકન્ડ માટે મતદાતા જોઇ શકે છે. આ સ્લીપ પછી સીલબંધ ડ્રોપ બોક્સમાં જાય છે. હાલમાં, ચૂંટણી પંચ વિધાનસભા મતવિસ્તાર દીઠ પાંચ મતદાન મથકો પર EVMના મતની VVPAT સ્લિપના મત સાથે રેન્ડમ ચકાસણી કરે છે.