સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ (SC) અને અનૂચિત જનજાતિ (ST)ને બઢતીમાં અનામત આપવા માટેના કોઇ માપદંડ નિર્ધારિત કરવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું હતું કે SCs/STsના પ્રતિનિધિત્વમાં અપૂર્ણતાના ડેટા એકઠા કરવાની જવાબદારી રાજ્યોની છે.
જસ્ટિસ નાગેશ્વર આરના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે દલીલોને આધારે અમે રજૂઆતને છ મુદ્દામાં વિભાજિત કરીએ છીએ. એક મુદ્દો માપદંડનો છે. જર્નેલ સિંહ અને નાગરાજના કિસ્સામાં અમે કહ્યું છે કે અમે કોઇ માપદંડ નિર્ધારિત કરી શકીએ નહીં. પરિમાણપાત્ર ડેટા એકઠા કરવાના એક એકમના સંદર્ભમાં અમે કહ્યું છે કે રાજ્યોની આ ડેટા એકત્ર કરવાની જવાબદારી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે SCs/STsના પ્રતિનિધિત્વમાં અપૂર્ણતા અંગેની માહિતીનું એકત્રીકરણ સમગ્ર સેવા કે વર્ગના સંદર્ભમાં હોઇ શકે નહીં, પરંતુ તે બઢતી માગવામાં આવી હોય તે પોસ્ટના ગ્રેડ-કેટેગરી મુજબ હોવું જોઇએ.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પ્રમોશનલ પોસ્ટ અંગેના ડેટા એકત્ર કરનારું એક યુનિટ કેડર હોવું જોઇએ. જો સમગ્ર સર્વિસના સંદર્ભમાં SC/STsના પ્રતિનિધિત્વ અંગે ડેટા એકત્ર કરવામાં આવે તો કેડર અર્થહીન બની જાય છે.
સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો 26 ઓક્ટોબર 2021 સુધી અનામત રાખ્યો હતો.
અગાઉ કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓમાં એસસી અને એસટીને પ્રમોશનમાં અનામતનો અમલ કરવા કેન્દ્ર અને રાજ્યો માટે એક ચોક્કસ અને નિર્ણાયાત્મક આધાર નિર્ધારિત કરવાની સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી. કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કે કે વેણુગોપાલે રજૂઆત કરી હતી કે ઘણા વર્ષોથી એસસી-એસટીને મુખ્યપ્રવાહથી સાઇડલાઇન કરવામાં આવ્યા હતા અને તેમને સમાન તક મળે તે માટે દેશના હિતના અનામતના સ્વરૂપમાં એક માળખુ લાવવું પડ્યું હતું. જો કેન્દ્ર અને રાજ્યો પાલન કરે તેવા તમે એક ચોક્કસ નિર્ણાયાત્મક માપદંડ નિર્ધારિત નહીં કરો તો કોર્ટમાં સંખ્યાબંધ લિટિગેશન થશે. અનામત કયા સિદ્ધાંતને આધારે આપવી તે મુદ્દાનો ક્યારેય ઉકેલ આવશે નહીં.
ખંડપીઠે અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે તે એસસી અને એસટીને બઢતીમાં અનામત આપવાના મુદ્દે તેના નિર્ણયને ફરી વિચારણા કરશે નહીં અને જણાવ્યું હતું કે આ અનામતનો અમલ કેવી રીતે કરવો તેનો નિર્ણય રાજ્યોએ કરવાનો છે.
વેણુગોપાલે 1992ના ઇન્દ્રા સાહની (મંડલ કમિશન કેસ) કેસના ચુકાદાથી લઇને 2018ના જર્નેલ સિંહ કેસના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. મંડલ ચુકાદામાં બઢતીમાં અનામતનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વેણુગોપાલે જણાવ્યું હતું કે 1975 સુધી 3.5 ટકા એસસી અને 0.62 ટકા એસટી સરકારી નોકરીમાં હતા અને તે સરેરાશ આંકડા છે. 2008માં સરકારી નોકરીઓમાં એસસી અને એસટીનું પ્રમાણ વધીને અનુક્રમે 17.5 ટકા અને 6.8 ટકા થયું હતું, જે હજું નીચું છે અને આવા ક્વોટાને વાજબી ઠેરવે છે.