હત્યાના એક કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઇ કેસમાં સાક્ષીઓના નિવેદનની નોંધણીમાં માત્ર વિલંબથી તેમની જુબાનીનો ઇનકાર ન કરી શકાય. એક હત્યા કેસમાં અપરાધીઓની અપીલને રદ કરતાં સર્વોચ્ચ અદાલતે આ મહત્ત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી.
જસ્ટિસ યુ યુ લલિતના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે રેકોર્ડ અંગેની સામગ્રી નિશ્ચિતપણે દર્શાવે છે કે આરોપી વ્યક્તિઓએ ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. એ સાચું છે કે સંબંધિત સાક્ષીના નિવેદનની નોંધણીમાં થોડો વિલંબ થયો છે, પરંતુ માત્ર વિલંબને કારણે તેમની જુબાનીને રદ કરી શકાય નહીં.
જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે જો સાક્ષીઓને ડરાવવામાં આવ્યા હતા અને ભય ઊભો કરવામાં આવ્યો હોય તો તેમના નિવેદનમાં થયેલા વિલંબના પૂરતા કારણો દર્શાવવા જોઇએ.
સાત ઓક્ટોબરના આદેશમાં ખંડપીઠે જણાવ્યું હતું કે એવી કોઇ વસ્તુ રેકોર્ડ થઈ નથી, જેમાં દર્શાવવામાં આવ્યું હોય કે વચગાળાના સમયગાળામાં સાક્ષીઓએ પોતાની રોજિંદી કામગીરી કરી હોય અને નિવેદન ન આપ્યું હોય.
કલકત્તા હાઇ કોર્ટના એક આદેશને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. કલકત્તા હાઇ કોર્ટે તેના આદેશમાં ભારતીય દંડ સંહિતની કલમ 302 (હત્યા), 120બી (ગુનાહિત કાવતરું) હેઠળ સેશન જજ, માલદાએ રેકોર્ડ કરેલા નિવેદનોને પડકારતી આરોપીઓની અરજી ફગાવી દીધી હતી અને આરોપીઓને ગુનેગાર ગણીને સજા ફટકારી હતી.
અરજદારોના વકીલે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં બે સાક્ષીઓની જુબાની સામે સવાલ ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમના નિવેદન રેકોર્ડ કરવામાં વિલંબ આ કેસ માટે વિઘાતક છે. વકીલે દલીલ કરી હતી કે સાક્ષીઓના નિવેદનને રેકોર્ડ કરવામાં શા માટે વિલંબ થયો તેના કોઇ કારણો આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત બે સાક્ષીઓની જુબાનીમાં બાદ પણ અરજદારોને ગુનેગાર ઠેરવી શકાય તેવું કંઇ નથી.
જોકે આ કેસમાં સરકારના વકીલે જણાવ્યું હતું કે આરોપીઓએ ભયનો એવો ભયંકર માહોલ ઊભો કર્યો હતો કે સંબંધિત સાક્ષીઓ ભાગી ગયા હતા. તપાસકર્તા એજન્સીઓએ આરોપીઓની ધરપકડ સહિતના પગલાં લઈને યોગ્ય વાતાવરણ ઊભું કર્યું તે પછી જ સાક્ષીઓ આવ્યા હતા.