સુપ્રીમ કોર્ટે મંગળવારે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો હતો. આ પક્ષોએ પોતાના ઉમેદવારો સામેના ગુનાહિત કેસોને જાહેર ન કરવાના કારણે સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી કરી હતી. કોર્ટે ભાજપ, કોંગ્રેસ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, બસપા, જેડીયુ, આરજેડી, આરએસએલપી, એલજેપી પ્રત્યેકને રૂા.1-1 લાખનો દંડ કર્યો હતો, જ્યારે સીપીએમ અને આરસીપી પ્રત્યેકને રૂા. 5-5 લાખનો દંડ કર્યો હતો.
રાજકારણમાં ગુનાખોરીનો અંત લાવવા માટે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ઘણી મહત્વની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટે ઘણી વખત કાયદો બનાવવાનો આગ્રહ કર્યો છે અને સૂચના આપી છે કે રાજકારણમાં ગુનાખોરીને રોકવા માટે પગલાં ઉઠાવે. પરંતુ, તેઓ ગાઢ નિંદ્રામાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટની તમામ અપીલો બહેરા કાન સુધી નથી પહોંચી શકી. રાજકીય પક્ષો પોતાની ઊંઘમાં જાગવા તૈયાર નથી. કોર્ટના હાથ બંધાયેલા છે. આ સંસદનું કામ છે. અમે માત્ર અપીલ કરી શકીએ છીએ. આશા છે કે, આ લોકો ઊંઘમાં જાગશે અને રાજકારણમાં ગુનાખોરીને રોકવા માટે મોટી સર્જરી કરશે.