યુપીમાં હિંસાના આરોપીઓના મકાનો પર ગેરકાયદે બુલડોઝર ફેરવવામાં આવ્યું હોવાનો આરોપ મૂકતી અરજીઓની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ડિમોલિશન કાર્યવાહી પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે દરેક કાર્યવાહી વાજબી હોવી જોઇએ અને સત્તાવાળાએ કાયદા હેઠળની નિર્ધારિત પ્રોસિજરનું ચુસ્ત પાલન કરવું જોઇએ. આવી કાર્યવાહી બદલાની ભાવના સાથે ન હોવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે આ અરજીઓનો જવાબ આપવા યુપી સરકાર અને તેના સત્તાવાળાને ત્રણ દિવસનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 21 જૂને આગામી સુનાવણી સુધી કોઇ અનિશ્ચનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા સત્તાવાળાને તાકીદ કરી હતી.
સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે નાગરિકોમાં એવી લાગણી હોવી જોઇએ કે દેશમાં કાયદાનું શાસન પ્રવર્તે છે. સુપ્રીમ કોર્ટમાં જમીયત ઉલેમા-એ-હિન્દએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગણી કરી હતી કે તાજેતરની હિંસાના આરોપીની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં ન આવે. અરજીમાં જણાવાયું હતું કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર કોઇ ડિમોલિશન ન કરવામાં આવી અને યોગ્ય નોટિસ બાદ જ આવી કાર્યવાહી કરવામાં આવે. જોકે યુપી સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હકું કે કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરાયું છે અને એક કિસ્સામાં તો છેક ઓગસ્ટ 2020માં નોટિસ અપાઈ હતી. કોઇ અસરગ્રસ્ત પક્ષકારોએ કોર્ટમાં અરજી કરી નથી અને જમીયતે કોઇ ડિમોલિશન ન થાય તે માટે સાર્વત્રિક આદેશની માગણી કરી છે.