કોરોનાવાયરસ એન્ટિબોડી ટેસ્ટના વેચાણ બદલ સુપરડ્રગની ટીકા

0
704
  • પ્રી માંડવ દ્વારા

કોરોનાવાયરસ માટે ઘરે કરી શકાય તેવા એન્ટિબોડી ટેસ્ટનું £69માં વેચાણ કરી “રોગચાળામાંથી નફો કરવા” બદલ સુપરડ્રગની ટીકા કરવામાં આવી રહી છે. જો કે રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના ચીફ સાયન્ટિસ્ટ જીનો માર્ટિનીએ જણાવ્યું હતું કે, ‘’હાલમાં કોઈ પણ એન્ટિબોડી ટેસ્ટ આંશિક ચિત્ર જ આપી શકે છે. વાસ્તવિક મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિ રોગપ્રતિકારકતાના સ્તરને જાણતો નથી.’’

ટેસ્ટના નિર્માતા એબોટે અમારા સહોગી મેગેઝીન ફાર્મસી બિઝનેસને ગુરુવારે (21 મે)એ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘’તે કોવિડ-19 એન્ટિબોડીઝનો ટેસ્ટ કરવા માટેની ડીવાયવાય કિટ નથી. આ કીટનો હેતુ હોમ ટેસ્ટ માટેનો નથી અને ફિંગર સ્ટીકથી લોહીના નમૂના ન લેવા જોઈએ. એબોટે સાર્સ-કોવ-2 ટેસ્ટ ફક્ત લેબોરેટરીના પ્રોફેશનલ માટે જ વિકસાવવામાં આવ્યો હતો.’’

ફાર્મસી બિઝનેસે સુપરડ્રગને પૂછ્યું હતું કે શું કંપની ઉત્પાદકોના નિવેદનને ધ્યાનમાં રાખીને આ એન્ટિબોડી હોમ ટેસ્ટીંગ કીટનું વેચાણ બંધ કરવાનું વિચારે છે? પરંતુ તેમનો કોઈ જવાબ મળ્યો નથી.

ગ્રાહક સુરક્ષા અંગેના લોમેકર્સની પેનલની અધ્યક્ષતા સંભાળતા એમપી ઇવોન ફોવાર્ગએ “લોકોના ડર પર રમત રમવા”નો સુપરડ્રગ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે “પોસ્ટેજ સાથે £70માં મળતી ટેસ્ટ કીટ સંપૂર્ણ રીતે સચોટ નથી, તે અતિશય લાગે છે. લોકોને ખરેખર જેની જરૂર છે તે સહેલાઇથી ઉપલબ્ધ કરાવવું જોઇએ. ફોવાર્ગ ટેસ્ટ માટે કમ્યુનિટિ ફાર્મસીઓને સમર્થન આપે છે કારણ કે “તેમની પાસે તેમના સમુદાયો વિષેની કુશળતા અને જ્ઞાન બંને છે, જે તેમને ટેસ્ટ અને કોઈપણ મુદ્દાઓની ચર્ચા કરવા માટે આદર્શ સ્થિતિમાં મૂકે છે.”

સુપરડ્રગે તા. 20 મેના રોજ કોવિડ-19 એન્ટિબોડી ટેસ્ટ કીટને વેચાણ માટે મૂકી હતી, પરંતુ પરિણામોની ચોકસાઈ અંગે ચિંતા હતી જે 97.5 ટકા હતું. સુપરડ્રગના ટેસ્ટમાં વ્યક્તિએ તેમની આંગળીમાંથી લોહીના કેટલાક ટીપા લઇ શીશીમાં ભરીને પ્રીપેડ પોસ્ટ દ્વારા લેબ્સમાં મોકલવાના રહે છે જેનો ટેસ્ટ થયા બાદ રીઝલ્ટ આપવામાં આવે છે.

ફાર્મસી બિઝનેસને આપેલા લેખિત નિવેદનમાં સુપરડ્રગે કહ્યું હતું કે “અમે આ ટેસ્ટ સપ્લાય કરવા માટે જે લેબ સાથે મળીને કામ કરીએ છીએ, તેણે કેપીલરી બ્લડ સેમ્પલના ઉપયોગને માન્યતા આપતા પુરાવા પૂરા પાડ્યા છે. UKASની માન્યતા ધરાવતી ટીડીએલ લેબ પાસે ટેસ્ટની માન્યતા કરવાની જવાબદારી છે. તેમણે આંતરિક અભ્યાસ પણ કરેલો છે. ઘરે લીધેલા રક્તની યુકેએએસ-માન્યતા પ્રાપ્ત લેબમાં તપાસ કરવામાં આવે છે.”