સુપરબગ ઇન્ફેક્શનને કારણે વિશ્વભરમાં વર્ષ 2019માં 1.2 મિલિયન લોકોના મૃત્યુ થયા છે, તેવું અંગે તાજેતરમાં જાહેર થયેલા અભ્યાસના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ અભ્યાસ અનુસાર એન્ટી માઇક્રોબિઅલ રેઝીસ્ટન્ટ બેક્ટેરિયાનું સંક્રમણ એચઆઇવી-એઇડ્સ અથવા તો મેલેરિયાની સરખામણીએ વધુ મૃત્યુ માટે સીધું જ જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે, એન્ટી માઇક્રોબિયન રેઝીસ્ટન્ટ વિકસીત કરનારા સુક્ષ્મજીવોને સુપરબગ કહેવામાં આવે છે. એન્ટીબાયોટિક દવાઓના વધુ ઉપયોગને કારણે બેકટેરિયામાં આ દવાઓ પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા વિકસીત થઇ જાય છે, જેનાથી તેના પર દવાઓની નહીવત અસર થાય છે. દવાઓની અસર ન થવાને કારણે દર્દીઓની સારવારમાં ડોક્ટર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને ઘણા કિસ્સામાં દર્દીઓ સામે જીવનું જોખમ ઊભું થાય છે.
લેંસેટમાં પ્રકાશિત આ રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે, 3.68 મિલિયન અન્ય મૃત્યુમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝીસ્ટન્સ જવાબદાર છે.
વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસના સહ લેખક ક્રિસ મરેએ જણાવ્યું હતું કે, આ નવા ડેટા વિશ્વભરમાં એન્ટીમાઇક્રોબિયન રેઝીસ્ટન્સના વાસ્તવિક તથ્યોને દર્શાવે છે, અને એક સ્પષ્ટ સંકેત આપે છે કે આપણે આ જોખમને નિવારવા માટે વધુ કામ કરવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સુપરબગ અંગે જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2050 સુધીમાં સુપરબગથી દર વર્ષે 10 મિલિયન લોકોના મૃત્યુ થઇ શકે છે.